Paris, તા. 28
ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં બે રસોડામાં વપરાતી મોટી છરીઓ (બુચર નાઈફ) સાથે એક વ્યક્તિએ રસ્તા પર જઈ રહેલી 3 મહિલાઓ પર અચાનક હુમલો કરી દીધો હતો.
ઉત્તરી પેરિસના પોર્ટે ડી ક્લિચી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 19, 24 અને 36 વર્ષની મહિલાઓ ઘાયલ થઈ છે, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, હુમલાખોર બૂમો પાડીને કહી રહ્યો હતો કે તેને અલ્લાહ તરફથી આ હત્યા કરવાનો આદેશ મળ્યો છે.
ઘટના સમયે રસ્તા પર પસાર થઈ રહેલાં લોકોએ ભારે હિંમત અને સુઝબુઝ બતાવી હતી. મોહમ્મદ-અલી બુહદજાર નામનાં 26 વર્ષનાં યુવકે જ્યારે આ હુમલો જોયો, ત્યારે તેણે આસપાસનાં લોકોને એકઠાં કર્યા હતાં.
રાહદારીઓમાંથી એક વ્યક્તિએ હુમલાખોર પર સૂટકેસ ફેંકીને તેને નીચે પાડી દીધો હતો, જેથી તેનાં હાથમાંથી છરીઓ છૂટી ગઈ હતી. ત્યારબાદ લોકોએ તેને જમીન પર પકડી રાખ્યો હતો અને તુરંત જ એક ઓફ-ડ્યુટી પોલીસ અધિકારીએ તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.

