તહસીફ સૌરીના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે
Dhaka, તા.૩૦
બાંગ્લાદેશનાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીના દેશ છોડીને જતાં હોવાનો વીડિયો કથિત રીતે રેકોર્ડ કરવા અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા સાથે જોડાયેલા વાયુસેનાના અધિકારીનું મોત થયું છે. ફ્લાઇટ લેફ્ટનન્ટ તહસીફ સૌરીનો મૃતદેહ ઢાકાની તૂરાગ નદીમાંથી મળી આવ્યો છે. તેમના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને મોતના સંજોગો અંગે સવાલો ઉઠાવ્યા છે.
જો કે, અધિકારીઓએ હજુ હત્યાની પુષ્ટિ કરી નથી એમને મૃત્યુનું ચોક્કસ કારણ જણાવવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અહેવાલો અનુસાર બાંગ્લાદેશ વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ તહસિફ સૌરીની ૨૭ ઓકટોબરની સાંજે ઘરેથી નીકળ્યા હતા. કહેવાય છે કે એક મિત્રે તેમને નીચે બોલાવ્યા હતા ત્યાર બાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા. તેમના પિતા કે.એમ. ઇનાયતુલ કરીમે જણાવ્યું કે રાત્રે ૧ઃ૩૫ વાગ્યે તહસિફે પોતાની માતાને સંદેશ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું, કે ”મમ્મી, હું આવી રહ્યો છું.” ત્યાર બાદ પરિવારનો તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
ગુરુવારે બાંગ્લાદેશની રિવર પોલીસે તેમનો મૃતદેહ મળી આવ્યાનો હોવાની પુષ્ટિ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું અને દેશ છોડી દીધો હતો. તેઓ લગભગ ૧૫ વર્ષ સુધી સત્તામાં રહ્યા હતા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શેખ હસીનાના સૈન્ય વિમાનમાં બેસીને દેશ છોડતા નજરે પડ્યા હતા. બાંગ્લાદેશના એક સ્થાનિક અખબાર મુજબ આ ફૂટેજ રેકોર્ડ કરનાર વ્યક્તિ તરીકે તહસીફ સૌરીનું નામ જાણવા મળ્યું હતું. જોકે, તેમના પર વીડિયો રેકોર્ડ કરવાનો કે તેણે જાહેર કરવાનો આરોપ સત્તાવાર રીતે સાબિત થયો નથી.તહસિફની પિતરાઇ બહેન મોશફેકા જહાંએ આજે સવારે ફેસબુક પર પોસ્ટ કરીને તેમના મોતને હત્યા ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે શેખ હસીના દેશ છોડીને જતાં હોવાનો વીડિયો શેર કરવાને કારણે તહસીફને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા.
જહાંના જણાવ્યા અનુસાર તહસીફે પોતે વીડિયો રેકોર્ડ કર્યો નહોતો પરંતુ અન્ય એક અધિકારીએ બનાવેલી ફૂટેજ એક નાગરિક તરીકે આગળ પોસ્ટ કરી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે વાયુસેનામાંથી નિવૃત્ત થયા બાદ પણ જાસૂસો તેમનો પીછો કરતાં હતા. તેમના કહેવા મુજબ, તહસીફની તબિયત એકદમ સારી હતી અને મૃત્યુ પહેલા તેમેને ઘરેથી બહાર બોલાવવામાં આવ્યા હતા. જો કે આ તમામ આરોપોની સ્વતંત્ર અથવા સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તહસીફ સૌરીએ બાંગ્લાદેશ વાયુસેના કેમ છોડી હતી તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. એક અખબારના અહેવાલ અનુસાર, બાંગ્લાદેશના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ ડિરેક્ટરોએ ૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ તેમની નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે તેમને સંસ્થાના નિયમો મુજબ સામાન્ય પ્રક્રિયા હેઠળ નિવૃત્ત કરવામાં આવ્યા હતા અને તેમની સામે કોઈ પણ આરોપ નહોતો.

