Rajkot,તા.૨૮
Rajkot શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. નિવૃત્ત ઁઉડ્ઢ કર્મચારી દિલીપભાઈ ખખ્ખર, તેમની પત્ની સ્મિતાબેન ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખરના મૃતદેહ મળી આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ અને દેવાની ઉઘરાણીનો મુદ્દો સામે આવ્યો હોવાની માહિતી મળી રહી છે, જોકે પોલીસે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
પોલીસને મળતી પ્રાથમિક માહિતી મુજબ પરિવારના પુત્ર નિશિતે અનેક લોકો પાસેથી નાણાં ઉધાર લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી લેણદારો દ્વારા નાણાં પરત માંગવા માટે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે પરિવાર ભારે માનસિક તણાવમાં હતો તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તપાસ પૂર્ણ થયા વગર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે.
ઘટનાસ્થળેથી હજુ સુધી આપઘાત પાછળનું ચોક્કસ કારણ દર્શાવતો કોઈ નક્કર પુરાવો કે સુસાઈડ નોટ મળી આવી નથી. ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળ પરથી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. સાથે જ પરિવારજનો, સગા-સંબંધીઓ અને સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. આ પરિવાર માટે આ પ્રથમ દુઃખદ ઘટના નથી. વર્ષ ૨૦૧૮માં પરિવારના મોટા પુત્ર પરાગ ખખ્ખરે પણ આપઘાત કર્યો હતો. હવે ફરી એકવાર પરિવારના ત્રણ સભ્યોના અકાળે મૃત્યુથી સગા-સંબંધીઓ અને પરિચિતોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પોલીસનું કહેવું છે કે હાલ તમામ સંભવિત કારણોની ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ, ટેકનિકલ પુરાવા અને નિવેદનોના આધારે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

