Rajkot તા. ૨૯
ગુરૂ સંગ્રહથી નહીં, પણ પરિગ્રહથી પૂજાય છે. સાધુઓએ પવિત્રપણે જીવન જીવવું અને સમાજને સદાચારને માર્ગૅ વાળી, પરિવારમાં સંપ અને રાષ્ટ્રીયતના પાઠ શીખવતા રહેવું એમ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ ઉપર યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું.
વિશેષમાં ઉપસ્થિત ગૃહસ્થ ભક્તોને કહ્યું હતું કે પુત્ર પરિવાર માટે સમય આપો. પાસે બેસો. એમની વાતને સાંભળો. ઘરના દરેક સભ્યનું હૃદય વડિલોના સ્નેહ, સહાનુભૂતિ અને આદરને ઝંખતું હોય છે. એ ન મળવાથી તણાવ, ડિપ્રેશન ઉભું થતાં ન ધારેલા પરિણામો ભોગવવા પડી રહેલા દેખાય છે.
પ્રાતઃકાળે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૦ મા પ્રતિષ્ઠોત્સવ પર્વે પંચામૃત તથા પુષ્પ પાંખડીઓથી સંતોએ અભિષેક કર્યો . શ્રી ભક્તિ મહિલા મંડળના બહેનો દ્વારા તૈયાર કરાયેલ ૧૨૫ વિવિધ વાનગીઓનો અન્નકૂટ શ્રી ઘનશ્યામ મહારાજને નિવેદિત કરવામાં આવેલ.
ગુરૂપૂર્ણિમા મહોત્સવના પ્રારંભ પૂર્વે ગુરુણામ ગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણનું તથા તેમની પાદુકાનું તુલસીદલથી ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પૂજન કર્યું .
ગુરુકુલના સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું પૂજન મહંત સ્વામી શ્રીદેવપ્રસાદદાસ સ્વામીએ કરેલું. જ્યારે પરંપરામાં સંતો તથા ગુરુકુળમાં સમર્પણ ભાવે સેવા આપી અક્ષર નિવાસી થયેલા ભુજનીય સંતોનો વિવિધ સંતોએ પૂજન કર્યું હતું . આ પ્રસંગે ઉપસ્થિત ૨૦૦ ઉપરાંત સંતોએ ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી આદિ સંતોનું પુષ્પાહાર પહેરાવી ભોજન કરી આશીર્વાદ મેળવેલ . વિવિધ વિસ્તારોમાંથી પધારેલા હરિભકતો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ૨૦૦ સંતોનું પૂજન કર્યા બાદ ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીએ સૌને વિશેષ આશીર્વાદ પાઠવેલ .
ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રાજકોટ તથા જુનાગઢ, ભાયાવદર, ત્રંબા, મોરબી , સુરેન્દ્રનગર , રામપર વગેરે ગુરુકુળોમાંથી પધારેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીઓએ પૂજન અર્ચન કરી બાળ ગુરુપૂર્ણિમા મનાવી હતી.
આ પ્રસંગે બાળકોએ પ્રાર્થના, નૃત્ય, રૂપક,સંવાદ રજૂ કર્યા હતા. છેલ્લા વર્ષમાં વિશેષ ભજન ભક્તિ, સેવા, અભ્યાસ અને ઉત્તર પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રેરણા અને પ્રોત્સાહન સાથે ઇનામ આપી રાજી કર્યા હતા.

