જીજ્ઞેશ પટેલ Mamlatdar તા.૨૯
સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચ શરૂ કરવાની માંગણી ફરી એકવાર જોરશોરથી ઉઠી છે. આ અંગે માણાવદર બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કુલ કેસો અને તકરારોમાંથી આશરે ૪૦ ટકા જેટલું લીટીગેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવે છે. જો રાજકોટમાં હાઈકોર્ટની બેંચ શરૂ થાય, તો આ તમામ કેસો સ્થાનિક સ્તરે જ હલ થઈ શકે, જેનાથી મુખ્ય હાઈકોર્ટ પરનું કામનું ભારણ અને કેસોની પેન્ડન્સી નોંધપાત્ર રીતે ઘટી જશે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી ૬ થી ૧૨ કલાકની લાંબી મુસાફરી કરવી પડે છે, જેના કારણે સમય અને નાણાંનો ભારે વ્યય થાય છે.
રાજકોટ એ સૌરાષ્ટ્ર-કચ્છનું મધ્યવર્તી કેન્દ્ર છે અને ભૂતકાળમાં પણ અહીં બેંચ કાર્યરત રહી ચૂકી છે. અગાઉના તમામ મુખ્યમંત્રીઓ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં રાજકોટને હાઈકોર્ટ બેંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. રાજકોટમાં હાઈકોર્ટ બેંચ અને રહેણાંક માટે પૂરતી વિશાળ જગ્યા ઉપલબ્ધ હોવાથી, સરકારે આ વર્ષો જૂની માંગણી સત્વરે સ્વીકારવી જોઈએ તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.

