Mumbai, તા. 1
જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આગામી ફિલ્મનાં ડાન્સ અને એક્શન સીક્વન્સના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અહેવાલો મુજબ, ડાન્સના શૂટિંગ વખતે તેને ‘કમ્પ્લીટ હિપ ટેન્ડન ડિટેચમેન્ટ’ (કૂલાના સ્નાયુ ખેંચાઈને અલગ થઈ જવા)ની ઇજા થઈ છે. આ ગંભીર ઇજાના કારણે ડોક્ટરોએ તેને છ અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ અને રિહેબિલિટેશન (રિકવરી પ્રોગ્રામ) માં રહેવાની સખત સૂચના આપી છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, સામાન્ય રીતે આવી ગંભીર ઇજાઓ વ્યાવસાયિક એથ્લેટ્સ (રમતવીરો) માં જોવા મળતી હોય છે. શૂટિંગ દરમિયાન ખૂબ જ ભારે અને શારીરિક શ્રમ વાળા સીન્સના કારણે તેના શરીર પર આટલું મોટું દબાણ આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ડોક્ટરોએ રશ્મિકાને યોગ્ય રિકવરી માટે વ્યવસ્થિત રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવા કહ્યું છે, જેથી તે શૂટિંગ પર પાછી ફરે તે પહેલાં તેના સ્નાયુઓ સંપૂર્ણપણે સાજા થઈ શકે.
તાજેતરમાં જ અભિનેતા વિજય દેવરકોંડા સાથે લગ્ન કર્યા બાદ રશ્મિકાએ પોતાની નવી એક્શન-થ્રિલર ફિલ્મ ‘મયસા’ ના શૂટિંગનું કામ ફરી શરૂ કર્યું હતું. આ ફિલ્મ ગોંડ આદિવાસીઓની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મ ઉપરાંત, તે તેના પતિ વિજય દેવરકોંડા સાથે જ ફિલ્મ ‘રણબલી’ માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે, જે 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ ઇજાના કારણે હવે રશ્મિકાની આગામી ફિલ્મોનાં શૂટિંગ શિડ્યુલ અને કામકાજમાં વિલંબ થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે આ ઘટના અંગે અત્યાર સુધી રશ્મિકા મંદાના કે તેની ટીમ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

