New Delhi તા.1
તાજેતરમાં ભારતે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન ચલાવીને ઈતિહાસ રચ્યો હતો. હવે દુનિયાથી તેલ ખરીદનાર ભારત આગામી દિવસોમાં ગ્રીન એનર્જીના નિકાસકાર બની શકે છે. ભારત હાલમાં સૌથી વધુ ઉર્જા આયાત કરનાર ટોપ ત્રણ દેશોમાં સામેલ છે તે આવનારા વર્ષોમાં ખુદ ઉર્જા નિકાસકાર દેશ બની શકે છે.
હકીકતમાં આશાને ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેનના એ નિવેદનથી બળ મળ્યું છે, જેમણે ઈન્ડો-જર્મન ડાયલોગમાં આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે તેને લાગે છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત ઉર્જા નિકાસકાર બની શકે છે અને જર્મની એ દેશોમાં સામેલ થઈ શકે છે, જે ભારતથી ગ્રીન એનર્જી ખરીદશે.
એકરમેને ગુજરાતના કચ્છના અક્ષય ઉર્જા પ્રોજેકટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારતે જે પ્રમાણમાં સૌર અને પવન ઉર્જા ક્ષમતા વિકસીત કરી છે, તે ખૂબ જ અસરકારક છે.
તેમણે ભારતના ગ્રીન હાઈડ્રોજન કાર્યક્રમને ખૂબ જ મહત્વાકાંક્ષી બતાવીને કહ્યું હતું કે જર્મની અને ભારત હાઈડ્રોજન ટેકનીક પર ખૂબ જ મજબૂતીથી સાથે કામ કરી રહ્યા છે. તેમણે જર્મન કંપની થાયસેન ગ્રુપ અને ભારતીય કંપની શેલ વચ્ચે ગ્રીન હાઈડ્રોજન સાથે સંકળાયેલા સાધનોને પણ મહત્વના ગણાવ્યા.
અહીં મહત્વની બાબત એ છે કે, ભારત તેલ નિકાસકાર નહી પરંતુ ગ્રીન એનર્જી નિકાસકાર બનવાની તૈયારી કરી રહ્યો છે. જો કે સવાલ એ છે કે ભારત આખરે કેવા પ્રકારની એનર્જ વેચી શકે છે? તો તેનો જવાબ છે-
ગ્રીન હાઈડ્રોજન ગ્રીન એમોનિયા, ગ્રીન મેથનોલ, સ્વચ્છ વિજળી આધારિત ઔદ્યોગીક ઉર્જા ઉત્પાદન અને સંભવતઃ ગ્રીન એવિએશન ફયુલ પણ આ ઉર્જા ઉત્પાદનોની ખાસ વાટ એ છે કે તેને બનાવવામાં કોલસો, તેલ કે ગેસની જરૂર નથી હોતી તે સસ્તી અને સ્વચ્છ વિજળીથી પણ બની શકે છે.

