New Delhi, તા.3
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનાં અચાનક બદલાયેલાં લુકથી ચાહકોને ચોંકાવી દીધાં છે. રવિવારે હાર્દિક તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરુમાલાના વેંકટેશ્વર સ્વામી મંદિરે પૂજા-અર્ચના કરવા પહોંચ્યો હતો.
અહીં ભગવાનનાં આશીર્વાદ લેવા પહોંચેલાં હાર્દિકનું માથું સંપૂર્ણ મુંડાયેલું જોવા મળ્યું હતું. મંદિર પરિસરમાં બંને પરંપરાગત સફેદ વસ્ત્રોમાં નજરે પડ્યાં હતાં અને સોશિયલ મીડિયા પર તેમનાં આ નવા અંદાજના વિડીયો તથા તસવીરો ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.
હાર્દિકનો આ તિરુપતિ પ્રવાસ તેનાં ક્રિકેટ કરિયરના અત્યંત મહત્વનાં પડાવ પર થયો છે. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કર્યા બાદથી જ તે ઈજાના કારણે ક્રિકેટનાં મેદાનથી દૂર છે.
પહેલાં પીઠ અને ત્યારબાદ જાંઘની ઈજાના કારણે તે અફઘાનિસ્તાન સામેની શ્રેણી, ઈંગ્લેન્ડનો પ્રવાસ અને ઝિમ્બાબ્વે સામેની વ્હાઈટ-બોલ સિરીઝમાં રમી શક્યો નહોતો. હવે તે સંપૂર્ણ રીતે ફિટ થઈને મેદાન પર વાપસી કરવા માટે આતુર છે.
સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ આસ્થા અને આભાર વ્યક્ત કરવા માટે તિરુમાલા મંદિરમાં પોતાનાં વાળ દાન કરતાં હોય છે. જોકે હાર્દિકે પોતે મુંડન કરાવવાનું કોઈ સત્તાવાર કારણ જણાવ્યું નથી.
પરંતુ ફેન્સનું માનવું છે કે, તેણે ભારતીય ટીમમાં શાનદાર વાપસી અને પોતાનાં જૂના ફોર્મ માટે આ માનતા રાખી હશે. હાર્દિક ભલે મુંડન કરાવે કે પછી નવો હેર કલર કરે, સ્ટાઈલ અને ફેશનના મામલે તેનો અંદાજ હંમેશાં સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે.

