(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
Jamnagar શહેરના કનસુમરા પાટિયા નજીક હાઈવે પર સોમવારે રાત્રે આશરે ૮ વાગ્યાના અરસામાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ટ્રકની હડફેટે આવતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, અને ખોપરી ફાટી જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મૃતકનું નામ જીવણભાઈ પરબતભાઈ હરઘાણી (ગઢવી) (ઉંમર ૪૪, રહે. સોનલનગર, નીલકમલ સોસાયટી પાસે, જામનગર) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી બી. ડિવિઝન નો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શરૂ કરી છે.આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

