(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
કાલાવડ તાલુકાના છત્તર ગામ બાદ મહાદેવના પુલિયા પાસે કાળા રંગની ક્રેટા કારની ટક્કરે મોટરસાયકલ પર જઈ રહેલા બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રીંગોલ ગામના અને હાલ મોટા ભાડુકિયા ગામે અરવિંદભાઈ સભાયાની વાડીએ રહી ખેતીમજૂરી કરતા વિપુલભાઈ ચનાભાઈ ભાભોર (ઉ.વ. ૨૧)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના બનેવીના ભાઈ કાળુભાઈ કેવનભાઈ બામલિયા સાથે શેઠની સ્પ્લેન્ડર મોટરસાયકલ (જીજે-૦૩-ડીએમ-૨૪૩૦) પર કાલાવડ તરફ જઈ રહ્યા હતા. છત્તર ગામ બાદ મહાદેવના પુલિયા પાસે પહોંચતા સામે તરફથી જીજે-૧૦-ઈએચ-૦૨૭૮ નંબરની કાળા રંગની ક્રેટા કાર પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.
અકસ્માતમાં કાળુભાઈ કારના બોનેટ સાથે અથડાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે વિપુલભાઈ પુલની નીચે ફંગોળાઈ ગયા હતા. બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કાલાવડ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ કાળુભાઈને માથામાં ગંભીર ઈજા, ડાબા પગમાં ફ્રેક્ચર તેમજ છાતીમાં ઈજા થતાં તેઓ બેભાન હાલતમાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે. જ્યારે વિપુલભાઈને કમરમાં ફ્રેક્ચર ઉપરાંત હાથ અને પગમાં છોલાછાલની ઈજાઓ પહોંચી છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસએ ક્રેટા કારના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

