Gondal-Dhoraji, તા.6
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા, ખેડૂતોના પાક અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ’સૌની યોજના’ મારફતે નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ દંડક વિરલભાઈ પનારા દ્વારા આ અંગે મુખ્યમંત્રીને લેખિત આ આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગોંડલ તાલુકાના નિલાખા ગામે આવેલો ભાદર-1 ડેમ રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ જૂથ યોજના માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત ડેમની 80 કિલોમીટર લાંબી કેનાલ મારફતે ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા અને જૂનાગઢ વિસ્તારના 100થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
આ વર્ષે સંબંધિત તાલુકાઓમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી ડેમ હજુ ખાલી સ્થિતિમાં છે. વધુ માં જણાવાયું છે કે સૌની યોજનાની લીંક-3 (બાંદ્રા) અને લીંક-4 (કમઢીયા) મારફતે લાઈન લંબાવી ભાદર-1 ડેમ ભરી આપવામાં આવે તો વિશાળ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે. ડેમની કુલ ક્ષમતા 6642 MCFT ની છે. ગત વર્ષે પણ સૌની યોજના મારફતે 1250 MCFT પાણી ફાળવવામાં આવ્યું હતું.આ બાબતને ધ્યાને રાખી આ વર્ષે પણ સત્વરે નર્મદાનું પાણી ડેમમાં ઠાલવવામાં આવે તેવી માંગ વિરલભાઇ પનારા દ્વારા કરવામાં આવી છે.

