પેટ્રોલ પુરાવી ઘરે પરત ફરતી વેળાએ પતિ અને પત્નીને કાળ ભરખી ગયો, આહિર સમાજમાં શોક સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
(મિલન જોશી દ્વારા)
Junagadhતા.૮
કેશોદ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ચાંદીગઢ પાટિયા નજીક જૂનાગઢ તરફ જતા માર્ગ પર પેટ્રોલ પંપ પાસે કારે બાઈકને અડફેટે લેતા દંપતીને ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદ તાલુકાના ઇસરાગામમાં રહેતા ખીમા વરજાંગ રાવલિયા અને તેમની પત્ની સાજણબેન ખીમાભાઈ રાવલિયા બાઈકમાં પેટ્રોલ પુરાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચાંદીગઢ પાટિયા નજીક જૂનાગઢ તરફ જતા માર્ગ પર પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી હવામાં ફંગોળાઈ ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પતિ-પત્નીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં કેશોદ પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરી હતી. અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે લોકોના ટોળા એકત્ર થતાં ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલેખનીય છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ તપાસનો ભાગ બન્યા છે.

