New Delhi, તા. 10
દિલ્હીમાં વિદ્યાર્થીઓનાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને સંસદમાં ચાલી રહેલાં વિરોધ વચ્ચે સરકારે મહત્વની જાહેરાત કરી છે. સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દા પર સંસદમાં જવાબ આપશે. ચોમાસું સત્ર શરૂ થયા પછી વિપક્ષી દળોનાં સતત હંગામાને કારણે કામગીરી ખોરવાઈ રહી હતી, જેને શાંત પાડવા સરકારે આ વાત સ્વીકારી છે.
કિરન રિજિજૂએ જણાવ્યું કે, સરકાર વિદ્યાર્થીઓને લગતાં તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માટે પૂરી રીતે તૈયાર છે અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલાં દરેક સવાલનો સંતોષકારક જવાબ આપવામાં આવશે.
તેમણે વિપક્ષી નેતાઓને વિનંતી કરી છે કે જ્યારે ગૃહમંત્રી સંસદમાં પોતાનું નિવેદન આપી રહ્યાં હોય ત્યારે કોઈ હંગામો કે અડચણ ઊભી કરવામાં ન આવે અને ગૃહની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલવા દેવામાં આવે.
વાસ્તવમાં, વિપક્ષે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલાં બળપ્રયોગ અને પેલેટ ગનના કથિત ઉપયોગનો સખત વિરોધ કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ સહિતનાં નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ સીધી ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, તેથી આ કાર્યવાહીની નૈતિક અને પ્રત્યક્ષ જવાબદારી ગૃહમંત્રી અમિત શાહની બને છે. આ જ મુદ્દે સંસદનાં બંને ગૃહોમાં રોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતાં.
ચોમાસું સત્રનાં હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યાં છે અને મહિલા અનામત જેવા કેટલાય મહત્વપૂર્ણ બિલ સંસદમાં અટકેલા છે. વિપક્ષનાં સતત વિરોધ અને સૂત્રોચ્ચારને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી રહી હતી. હવે ગૃહમંત્રી અમિત શાહ પોતે સંસદમાં જવાબ આપવા સંમત થતાં આ ગતિરોધ ઉકેલાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

