Rajkot તા.૧૦
રાજકોટની જુની અને પ્રસિધ્ધ શ્રી એસ. વી. વિરાણી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વન્યજીવો અને એશિયાટિક સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓને સિંહના પર્યાવરણમાં રહેલા મહત્વ, સિંહોના સંરક્ષણની આવશ્યકતા તથા ગુજરાતના ગીરના સિંહોની વિશેષતા અંગે માહિતગાર કરી, વન્યજીવો પ્રત્યે પ્રેમ, સંવેદના અને જવાબદારીની ભાવના વિકસાવવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સિંહ સંરક્ષણ, વન્યજીવ સુરક્ષા અને પર્યાવરણ જાળવણી માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરીને ‘‘વન્યજીવોનું રક્ષણ એટલે પર્યાવરણનું રક્ષણ’’ જેવા સંદેશ સાથે સિંહ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.
શાળાના આચાર્યશ્રી હરેન્દ્રસિંહ ડોડીયા તથા શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓને ગુજરાતની અમૂલ્ય ધરોહર એવા એશિયાટિક સિંહોના સંરક્ષણમાં સૌની સહભાગિતાનું મહત્વ સમજાવી સિંહને બચાવવાના પ્રયત્નોમાં પોતાનું યોગદાન આપવાના અને ક્યારેય પ્રાણી સંગ્રહાલયમાં કે જંગલમાં કોઈ પણ પ્રાણીને પજવણી ન કરવાના શપથ લેવડાવ્યા હતા.

