પરિણિતાએ ભરેલા પગલાથી આઠ માસનો માસૂમ પુત્ર માતા વિહોણો
Rajkot તા.૧૦
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ખાતે પરિણિતાએ ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર બે વર્ષ પહેલાં જ લગ્નગ્રંથિથી જોડાયેલી પરિણિતાના આપઘાતથી ૮ માસનો માસૂમ પુત્ર મા વિહોણો બનતા પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઘંટેશ્વર ગામમાં રહેતા કાજલબેન વિવેકભાઈ સીતાપરા (ઉં.વ. ૨૧) ગઈકાલે રાત્રે ઘરે એકલા હતા. પતિ વિવેક રેતીના ધંધાર્થે બહાર ગયો હતો અને સાસુ-સસરા પોતાના ૮ માસના પૌત્રને લઈને રેસકોર્સ ફરવા માટે ગયા હતા. દરમિયાન રાત્રે ઘરે આવેલા જેઠ અનિલે કાજલને પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી લટકતી જોતા તુરંત નીચે ઉતારી પરિવારને જાણ કરી હતી. પરિણિતાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના માવતર પક્ષ (રહે. મનહરપુર, માધાપર પાસે) ના સભ્યો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીની જાણના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિણિતાએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે અકબંધ રહેતા પોલીસે કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે.

