હવે પૈસા માગ્યા તો પંપ સાથે તને પણ સળગાવી દઈશું: ત્રણ હુમલાખોરોએ જાનથી મારી નાખવાની આપી ધમકી
Rajkot,તા.11
જસદણ-વીછીંયા રોડ પર આવેલી કાળાસર ચોકડી પાસે ભવાની પેટ્રોલપંપના માલિક પર ડિઝલના બાકી નીકળતા નાણાં માંગવાના મુદ્દે ત્રણ શખ્સોએ લોખંડના પાવડાના હાથા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદ મુજબ, વીછીયા ગામમાં અજમેરા હાઈસ્કૂલ સામે રહેતા હાજાભાઈ દેવાભાઈ મકવાણા(ઉં ૪૦) કાળાસર ચોકડી પાસે નાયરા કંપનીનો ભવાની પેટ્રોલપંપ ચલાવે છે. આજુબાજુના ગામના કેટલાક ખેડૂતો અને લોકો પેટ્રોલ-ડીઝલ ઉધારમાં લેતા હોવાથી ખાંડા હડમતીયા ગામના મૂળજીભાઈ ભીખાભાઈ રબારી, કાળુભાઈ ઘુઘાભાઈ રબારી અને લાલજીભાઈ ભીખાભાઈ રબારી પણ અવારનવાર ઉધારમાં ડીઝલ ભરાવતા હતા. વેપારી દ્વારા બાકી નાણાંની માંગણી કરવામાં આવતાં ત્રણેય શખ્સો બાદમાં પૈસા આપી દેશે તેમ કહી જતા હતા.દરમિયાન તા. 9 ઓગસ્ટે હાજાભાઈ પેટ્રોલપંપની ઓફિસમાં બેઠા હતા ત્યારે ત્રણેય શખ્સો મોટરસાયકલ અને બુલેટ પર પેટ્રોલપંપે આવ્યા હતા. ઓફિસમાં ઘૂસી તેમણે હાજાભાઈને ગાળો આપી હવે પૈસા માંગવાના નહીં તેમ કહી ધમકી આપી હતી. આ દરમિયાન કાળુભાઈ ઘુઘાભાઈ રબારીએ પેટ્રોલપંપ પર રાખેલા લોખંડના પાવડાના હાથાથી હાજાભાઈની છાતીના ભાગે હુમલો કર્યો હતો. જ્યારે મૂળજીભાઈ અને લાલજીભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો. પંપ પર ફિલર તરીકે કામ કરતા ભોળાભાઈ કાનાભાઈ મકવાણા અને અક્ષયભાઈ ખાંભલીયા વચ્ચે પડતાં વધુ મારમાંથી વેપારીને બચાવ્યો હતો. હુમલાખોરો જતા જતા પણ ધમકી આપી હતી કે, હવે ડીઝલના પૈસા માંગ્યા તો જીવતા ઘરે નહીં જવા દઈએ અને પેટ્રોલપંપ સાથે સળગાવી મારી નાખીશું. બનાવ બાદ હાજાભાઈએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

