(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૨
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના હેઠળ અમરેલી જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમરેલી ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે સાવરકુંડલા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતી બે દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આમવેલ જલારામ બેકરીમાંથી ૬.૮ કિલો તથા ઈલોરા બેકરીમાંથી ૧.૧ કિલો, એમ કુલ ૭.૯ કિલો એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા આ શંકાસ્પદ ખાદ્ય પદાર્થના જથ્થા અંગે સાવરકુંડલા ખાતે રહેતા મોન્ટુભાઈ સુરેશભાઈ ગણાત્રા તથા મોહિતભાઈ મુકેશભાઈ ગોહિલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ અંગે બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક નોટિફિકેશનનો કડક અમલ કરાવવા તેમજ જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ લાઠી ખાતેથી પણ અમરેલી ટીમે એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સતત બીજા દિવસે એનાલોગ પનીર સામેની કાર્યવાહીને પગલે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

