Palanpur,તા.૧૨
બનાસકાંઠાના જૂના ડીસા ખાતે પ્રસ્તાવિત ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળી છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટને વન્યજીવ સંરક્ષણની સાથે ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, ડીસાના જૂના વિસ્તારમાં આશરે ૧૦૩ હેક્ટર જમીનમાં રૂ.૫૪૨.૧૪ કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટનું આયોજન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મંજૂરી મળ્યા બાદ હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ ડીસામાં બનનાર આ ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ હશે. વિશ્વ સ્તરે પણ આ પ્રકારનું આ અનોખું પ્રોજેક્ટ ગણાશે.આ ઝૂમાં રણપ્રદેશની પ્રકૃતિ, પ્રાણીઓ અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને વિવિધ ઝોન અને એન્ક્લોઝર તૈયાર કરવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટમાં આશરે ૮૩ પ્રજાતિના ૨,૭૦૦ જેટલા દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને રાખવાની યોજના છે.ભારતીય પ્રજાતિઓમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, એશિયાટિક સિંહ અને દીપડા ઉપરાંત રણપ્રદેશ સાથે જોડાયેલી વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થશે.વિશ્વ સમાચાર વિશ્લેષણ
પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી રહેશે. સૂર્યાસ્ત બાદ મુલાકાતીઓને ખાસ તૈયાર કરવામાં આવેલા એન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોવાનો અનુભવ મળશે.નાઇટ સફારી માટે પાંચ સમર્પિત એન્ક્લોઝર બનાવવાની યોજના છે. સાથે જ અલગ ‘ડે ઝૂ’ પણ વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટમાં માત્ર પ્રાણી-પક્ષીઓ જ નહીં પરંતુ મુલાકાતીઓ માટે અનેક વિશેષ આકર્ષણો ઊભાં કરવાની યોજના છે. તેમાં રેપ્ટાઇલ સફારી, પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, રેઇનફોરેસ્ટ બાયોમ અને એક્વેરિયમનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ અને ગોલ્ફ કાર્ટ જેવી મુલાકાતી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
ડીસાનું આ પ્રોજેક્ટ વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળો સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસન સર્કિટને વધુ મજબૂત કરી શકે છે. સરકારના આયોજન મુજબ આ ઝૂ વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.સીઝેડએની મંજૂરી મળ્યા બાદ હવે ડીસાના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને સ્થાનિકો અને પ્રવાસન ક્ષેત્રમાં પણ ઉત્સુકતા વધી છે.

