Mahisagar,તા.૧૩
મહિસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સતત અને અવિરત વરસાદે હવે મુશ્કેલીઓની સાથે કાળજી કંપાવી દે તેવી ગંભીર હોનારત સર્જી છે. સતત ભીંજાવાના કારણે કાચા મકાનો જર્જરિત થઈ રહ્યા છે. વિરપુર તાલુકાના ખાટા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારે વરસાદ વચ્ચે રહેણાંક ઘરની કાચી દીવાલ અચાનક ધરાશાયી થતાં તેની નીચે દબાઈ જવાથી ૨ અને ૪ વર્ષના બે નાદાન બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિરપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
મહિસાગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસતા પાણીના કારણે અનેક વિસ્તારોમાં કાચા મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વિરપુર તાલુકાના ખાટા ગામે આવેલા એક રહેણાંક મકાનમાં પરિસ્થિતિ સાનુકૂળ ન હોવા છતાં ગરીબ પરિવાર આશ્રય લઈ રહ્યો હતો. દરમિયાન ઘરની અંદર માસૂમ બાળકો રમી રહ્યા હતા ત્યારે વરસાદના કારણે પાણીથી ધોવાઈને જર્જરિત થયેલી કાચી દીવાલ અચાનક જ કાળ બનીને ધસી પડી હતી.
દીવાલ ધરાશાયી થતાં જ ઘરમાં રમી રહેલા ૨ વર્ષ અને ૪ વર્ષના બે નાના બાળકો ક્ષણવારમાં જ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ધડાકાભેર દીવાલ પડવાનો અવાજ આવતાં જ આસપાસના ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે મહેનત બાદ કાટમાળ હટાવીને બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને માસૂમ બાળકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પોતાના વહાલસોયા બાળકોને આંખ સામે ગુમાવી દેતાં પરિવારજનોના કરૂણ રુદનથી સમગ્ર ગામનો માહોલ ગમગીન બની ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વિરપુર પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને માસૂમ બાળકોના મૃતદેહને પંચનામું કરી આગળની કાર્યવાહી અર્થે ખસેડ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા જૂના અને કાચા મકાનો વરસાદી પાણીના કારણે ખૂબ જ જોખમી બની રહ્યા છે. તંત્ર દ્વારા પણ લોકોને જર્જરિત કે કાચા ઘરોમાં સાવચેતી રાખવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી રહી છે. ખાટા ગામની આ ઘટનાએ આખા મહિસાગર જિલ્લાને આઘાતમાં સરી પાડ્યો છે, જ્યાં માત્ર ૨ અને ૪ વર્ષના બે માસૂમ બાળકોની રમત તેમની જિંદગીની આખરી રમત સાબિત થઈ.

