Vadodara,તા,18
વડોદરા જિલ્લા પંચાયતમાં વિપક્ષના માત્ર બે જ સભ્યો હોવાને કારણે સામાન્ય સભામાં કોઇ ખાસ ચર્ચા થતી નથી.પરિણામે આજે મળેલી સામાન્ય સભા માત્ર દસ જ મિનિટમાં આટોપી લેવાઇ હતી.જિલ્લા પંચાયતમાં દર ત્રણ મહિને મળતી સામાન્ય સભામાં અગાઉ વિપક્ષી સભ્યો સ્કૂલો,રસ્તાઓ અને વહીવટી કામોની ક્ષતિઓ કાઢી બે થી ત્રણ કલાક સુધી ઉગ્ર રજૂઆતો કરતા હોવાથી સભા તોફાની થતી હતી.પરંતુ આ વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના માત્ર બે જ સભ્યો છે અને ભાજપ પાસે ૩૨ સભ્યો છે.જેથી સામાન્ય સભામાં કામો મૂકીને તરત જ મંજૂરી આપી દેવામાં આવતા હોવાથી વિપક્ષી સભ્યોની કોઇ અસર જોવા મળતી નથી.

