Vadodara,તા,18
વડોદરામાં રથયાત્રા દરમયાન મોંગીયા ગેંગની સાથે રાજસ્થાનની બાવરીયા ગેંગ પણ સક્રિય હોવાનું પોલીસે શોધી કાઢ્યંુ છે. ક્રાઇમ બ્રાન્ચે બાવરીયા ગેંગના બે મુખ્ય સાગરીતને ઝડપી પાડયા છે.
વડોદરામાં તાજેતરમાં અષોઢી બીજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અછોડા,મોબાઇલ અને પર્સ લૂંટવાના બનાવો બન્યા હતા.જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય ગામેતી,પીઆઈ ડી જે ચૂડાસમા અને ટીમે અગાઉ મોંગીયા ગેંગને ઝડપી પાડી હતી.
આ ટોળકીની પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાવરીયા ગેંગ વિશે પણ માહિતી મળી હતી.જેથી પોલીસની ટીમે રાજસ્થાન અને હરિયાણાની બોર્ડરના ગામોમાં વોચ રાખી બાવરીયા ગેંગના જિતેન્દ્રસિંગ બહાદૂરસિંગ તેમજ આરતી ધરમસિંગ બાવરીયા(બંને રહે.ધંધોલી ગામ,અલવર, રાજસ્થાન)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેમણે રથયાત્રામાં ચાર અછોડા લૂંટયાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે ચારેય અછોડા કબજે કર્યા છે.
ટોળકીની પૂછપરછ દરમિયાન ટોળકીમાં સામેલ બીજી પાંચ મહિલા અને બે પુરુષ સાગરીતોના નામો ખૂલતાં તેમની તપાસ માટે જુદીજુદી ટીમો રવાના કરવામાં આવી છે.

