Vadodara,તા,18
તરસાલી સોમા તળાવ રોડ પર યુવક પર ચાકૂના ઘા ઝીંકી હત્યા કરનાર બે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા જેલભેગા થયા હતા.
જન્મ દિવસે જ જીવ ગુમાવનાર મેહુલના ભાઇ રોહને મકરપુરા પોલીસને જણાવ્યું હતું કે, ગત ૧૨ મી તારીખે બપોરેે પોણા બે વાગ્યે હું, મારો ભાઇ મેહુલ,કાકાનો દીકરો રાહુલ, વિશાલ તથા મિત્રો નિખીલ સોલંકી, મયૂર રાઠોડ બાઇક અને મોપેડ લઇને નાસ્તો કરીને વુડાના મકાન તરફ આવતા હતા. તે દરમિયાને પાછળથી બાઇક અને મોપેડ પર વિજય સોની, પદમ સોની, માનવ, મિને તથા અન્ય ત્રણથી ચાર લોકોેએ આવીને હુમલો કરતા મેહુલનું મોત થયું હતું. મકરપુરા પી.આઇ. એ.એમ.ગોહિલે બે આરોપી માનવ ઉર્ફે કાંચો વીરબહાદુર ગોરખા, ઉં.વ.૨૩ (રહે. નવીનગરી, કલ્યાણનગર, કારેલીબાગ) તથા પદમ ઉર્ફે ડાન્સર ગોપાલભાઇ સોની, ઉં.વ.૩૧ (રહે. અમરશ્રદ્ધા સોસાયટીની પાછળ આવેલા વુડાના મકાનમાં) ની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખી વીડિયો ગ્રાફી કરી ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું હતું. તેમજ આરોપીઓ જે ટુ વ્હીલર પર ગયા હતા. તે પણ કબજે લીધું છે.

