વિપુલ હિરાણી
Bhavnagarતા.૨૪
ભાવનગરમાં સર્જાયેલા ચકચારી લઠ્ઠાકાંડમાં 13 નિર્દોષ લોકોના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ભારે હડકંપ મચી ગયો છે. ઉપેન્દ્રસિંહ ગોહિલના મોતના પગલે બહાર આવેલા આ ગંભીર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપાયા બાદ વરતેજ પોલીસ મથકે 21 શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસએમસીની ટીમે નેટવર્ક પર સકંજો કસીને અગાઉ 14 આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે વધુ 13 સાગરીતોને દબોચી લીધા છે, જેથી આ કેસમાં કુલ ધરપકડનો આંકડો 27 પર પહોંચ્યો છે. ઝડપાયેલાઓમાં ડુપ્લિકેટ દારૂ બનાવવા માટેનું ઝેરી રો-મટીરિયલ સપ્લાય કરનાર મધ્યપ્રદેશનો મુખ્ય સૂત્રધાર આનંદ છાડી પણ સામેલ છે.
આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી એસએમસીની ટીમે અગાઉ પકડાયેલા ગૌતમ સોલંકી અને રઈશ અન્સારી સહિત 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડના ચોથા દિવસે પોલીસે એફએસએલ (FSL) ની ટીમને સાથે રાખી ગૌતમ સોલંકીના નિવાસસ્થાને પંચનામું કર્યું હતું. આ સ્થળેથી બનાવટી વિદેશી દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રી, કેમિકલ અને અન્ય ભૌતિક પુરાવાઓ જપ્ત કરાયા હતા. આ પૂછપરછ અને પુરાવાના આધારે પોલીસે ગુજરાતમાંથી 12 અને મધ્યપ્રદેશમાંથી 1 મળી કુલ 13 વધુ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
રો-મટીરિયલ સપ્લાયર આનંદ છાડી
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મધ્યપ્રદેશનો આનંદ છાડી આ લઠ્ઠાકાંડમાં વપરાયેલા જોખમી કેમિકલ અને રો-મટીરિયલનો મુખ્ય સપ્લાયર હતો. પોલીસે તેની ધરપકડ કરીને આ આંતરરાજ્ય નેટવર્ક, સપ્લાય ચેઈન અને અન્ય સંડોવાયેલા શખ્સોના કડી-મોડા મેળવવા અર્થે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કર્યો છે. આનંદ છાડીની પૂછપરછમાં દારૂ માફિયાઓ અને અન્ય મોટા માથાઓના નામો ખુલે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
ઉત્પાદનથી લઈને વિતરણ સુધીના સમગ્ર નેટવર્ક પર તપાસનો શિકંજો
13 લોકોના અકાળે થયેલા મોતના પગલે તપાસ એજન્સીઓ આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. ઝેરી દારૂના ઉત્પાદન, કેમિકલ સપ્લાયથી લઈને સ્થાનિક સ્તરે થતા છૂટક વિતરણ સુધી જોડાયેલા تمام બુટલેગરોની કડીઓ જોડવામાં આવી રહી છે. હાલ 27 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં તપાસનો વ્યાપ વધતાં હજુ પણ નવા ચોંકાવનારા ખુલાસા અને વધુ ધરપકડો થવાની સંભાવના છે.

