આ ઘટના બાદ પરિવાર અને આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો : માંડવી પોલીસે વધુ તપાસ શરૂ કરી
Surat, તા.૨૪
જિલ્લાના માંડવી તાલુકાના ગોડાવાડી ગામમાં ૨૨ વર્ષીય યુવતીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ગામના ટેકરી ફળિયામાં રહેતી નિધિ પટેલનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તે ઘરે એકલી જ હતી ત્યારે આ નિર્મમ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, આ ઘટના બાદ પરિવાર અને આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. માંડવી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
માંડવીની આ ઘટનાના સમયે નિધિ ઘરે એકલી હતી. તેના માતા-પિતા બહારગામ ગયા હતા. આ દરમિયાન તેના હાથ બાંધી અને ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘરમાં યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીના હાથ બાંધવામાં આવ્યા હોવાના અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાના સંકેતો મળ્યા છે.
જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘરમાં સામાન પણ વેરવિખેર હાલતમાં મળી આવ્યો હોવાથી પોલીસ લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં માંડવી પોલીસની ટીમ તાત્કાલિક ગોડાવાડી ગામે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
નિઘિ પટેલની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આરોપી અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસની વધુ તપાસ બાદ સમગ્ર ઘટનાનું કારણ અને હત્યારાની ઓળખ સ્પષ્ટ થવાની શક્યતા છે.

