સ્પેસ ક્વિઝનું આયોજનઃ વિજેતા વિદ્યાર્થીઓને સાયન્સ સિટી અમદાવાદની પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત માટે ફેમિલી વાઉચર એનાયત
Junagadh તા. ૨૪
ચંદ્રથી માંડીને અંતરીક્ષના અનંત રહસ્યો સુધી પહોંચવાની જિજ્ઞાસા ધરાવતા વિદ્યાર્થીઓ માટે જૂનાગઢમાં નેશનલ સ્પેસ ડેની ઉજવણી જ્ઞાન અને ઉત્સાહથી ભરપૂર બની હતી. ભારતની અવકાશ ક્ષેત્રની ગૌરવશાળી સિદ્ધિઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા તેમજ તેમનામાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ ખાતે અવકાશ વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન તથા સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનેલોજી (), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારની પ્રેરણાથી શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને વિજ્ઞાન-ટેકનેલોજી પ્રત્યે રુચિ વધે તે માટે વર્ષ દરમિયાન વિવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.
ભારત સરકારે વર્ષ ૨૦૨૩માં ચંદ્રયાન-૩ના ઐતિહાસિક સફળ ચંદ્ર અવતરણની યાદમાં દર વર્ષે ૨૩ ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ નિમિત્તે દ્વારા રાજ્યના વિવિધ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો ખાતે વિદ્યાર્થીઓ માટે સ્પેસ ક્વિઝ અને અવકાશ વિજ્ઞાન આધારિત વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શ્રી તુષારભાઈ પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, ભારતનો અવકાશ કાર્યક્રમ, વિવિધ સ્પેસ મિશન, સ્પેસ ટેકનેલોજી તથા ભવિષ્યની અવકાશ સંભાવનાઓ અંગે રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓએ અવકાશ અને સંશોધન ક્ષેત્રે નવીનતમ માહિતી મેળવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
સ્પેસ ક્વિઝના પ્રથમ તબક્કામાં પ્રિલિમિનરી એમસીક્યુ રાઉન્ડ યોજાયો હતો. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચાર વિદ્યાર્થીઓની ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે પીપીટી આધારિત ફાઇનલ ક્વિઝ યોજાઈ હતી. ફાઇનલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અવકાશ વિજ્ઞાન અંગેના પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું.
વિજેતા વિદ્યાર્થીઓને સાયન્સ સિટી, અમદાવાદની પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત માટે ફેમિલી વાઉચર, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉજવણીથી વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાઈ, તેમજ ભારતની અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓથી પરિચિત થવાની તક મળી હતી.
આ તકે ક્વિઝનું સમગ્ર સંચાલન શ્રી પ્રતાપસિંહ ઓરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડૉ. એસ. આર. ગજેરા, શ્રદ્ધાબેન કચોટ, રીનાબેન મકવાણા સહિત લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, તેમ શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયું છે.

