Mumbai,તા.૨૫
બોલીવુડ અભિનેતા ગોવિંદા પોતાના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં છે. ગોવિંદાની પત્ની સુનીતા આહુજા તેના વિરુદ્ધ સતત નિવેદન આપી રહી છે અને તેના પર ઘણા આરોપ લગાવી ચૂકી છે. સુનીતા આહુજા સાથે વિવાદ વચ્ચે ગોવિંદાએ એઆઈ જનરેટેડ અને ડીપફેક કન્ટેન્ટને લઈને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. બીજીતરફ ગોવિંદા સાથે પોતાના લગ્ન જીવનને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે સુનીતા આહુજા રાજસ્થાનના ખાટૂ શ્યામ મંદિર પહોંચી અને પૂજા-અર્ચના કરી. સોશિયલ મીડિયા પર સુનીતાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મંદિરમાં જોવા મળી રહી છે.
સુનીતા આહુજાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મંદિર પરિસરમાં હાથ જોડી જોવા મળી રહી છે અને ભક્તિમાં ડૂબી ગઈ છે. એક અન્ય વીડિયોમાં સુનીતા હનુમાન મંદિર જતી જોવા મળી, જ્યાં તે મૂર્તિની સામે માથુ ઝુકાવી પૂજા કરતી જોવા મળી હતી. સુનીતા એવા સમયે ખાટૂ શ્યામના દર્શન માટે પહોંચી છે, જ્યારે ગોવિંદાની સાથે ક્લેશની ચર્ચા ચાલી રહી છે. ખુદ સુનીતાએ ઘણા નિવેદન દ્વારા આ અટકળોને હવા આપી છે.
તાજેતરમાં સુનીતા આહુજાનો રાખી સાવંત સાથે વાતચીતનો વીડિયો સામે આવ્યો હતો. હકીકતમાં પેપરાજીની સામે રાખી સાવંતે સુનીતા આહુજાને કોલ કર્યો અને ફોન સ્પીકર પર કરી દીધો હતો. આ દરમિયાન સુનીતા આહુજાએ કહ્યું કે તેણે પોતાના લગ્નના છૂટાછેડાની અરજી એટલે પરત લીધી, કારણ કે તે બીજા લગ્નની યોજના બનાવી રહ્યાં હતા. પરંતુ ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ આ દાવાને ફગાવ્યો અને કહ્યુ કે અભિનેતાની બીજા લગ્નની કોઈ યોજના નથી. તેમણે આ દરમિયાન કહ્યું કે સુનીતા જ ગોવિંદાની પત્ની છે.
તાજેતરમાં ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકની પત્ની અને અભિનેત્રી કશ્મીરા શાહનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે પારિવારિક વિવાદ વિશે વાત કરતા કહ્યું કે તે આ મામલામાં તેની મામી સાથે ઉભી છે. કશ્મીરાએ ગંભીરતા સાથે કહ્યુ કે સુનીતા આજ સુધી ચુપ રહી અને જો તે હવે પોતાનો અવાજ ઉઠાવી રહી છે તો ખરેખર તેની પાછળ કોઈ ગંભીર કારણ હશે.

