ઐતિહાસિક વિરાસતને જાળવીને વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાનો દ્રઢ સંકલ્પ
Rajkot તા. ૨૫
સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ! અને રાજકોટની ઓળખ એટલે સાતમ-આઠમનો લોકમેળો. રંગીલા રાજકોટવાસીઓ માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સામાન્ય તહેવાર નથી, પણ કાનુડાના જન્મને વધાવવાનો લોકમહોત્સવ છે. જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં વર્ષોથી યોજાતો લોકમેળો આપણી ભાતીગળ લોકસંસ્કૃતિ, મોજ-મસ્તી અને આસ્થાનું પ્રતીક છે.
આ લોકમેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે જનતા સ્વયં આ મેળાનું નામ પાડે છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહયોગથી લોકમેળાનું નામ રાજકોટ જિલ્લાની જનતા પાસેથી મંગાવવામાં આવે છે. લોકો પોતાની કલ્પના અને સંસ્કૃતિને જોડીને ઉત્સાહભેર નામો મોકલે છે. માહિતી કચેરી પાસે આવેલા નામોમાંથી લોકમેળા સમિતિએ પસંદ કરેલું એક નામ લોકમેળાની ઓળખ બનીને લોકમુખે ગુંજાવા લાગે છે.
આ નામકરણની પરંપરાને આગળ ધપાવતાં વર્ષ ૨૦૨૬માં લોકમેળાનું નામ ’વિરાસતથી વિકાસ – ૨૦૨૬’ રાખવામાં આવ્યું છે. આ નામ આપણી સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતને જાળવીને આધુનિકતા તથા વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે. ત્યારે આ લોકમેળો નાગરિકોમાં પોતાની સાંસ્કૃતિક ઓળખ પ્રત્યે ગૌરવની ભાવના ઉજાગર કરશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડશે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા લાખો સહેલાણીઓ માટે આ મેળો આપણી પ્રાચીન પરંપરા અને આધુનિક પ્રગતિના સુંદર સમન્વયનું જીવંત ઉદાહરણ બની રહેશે.
વર્ષોની યાદોના પટારામાં ડોકિયું કરીએ તો, મેળાના નામોમાં સમયનો બદલાતો મિજાજ જોવા મળે છે. વર્ષ ૨૦૧૨માં ’સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી લોકમેળો’ યોજીને યુવા ઊર્જાનો સંદેશ અપાયો હતો, તો ૨૦૧૩માં આપણી સંસ્કૃતિની ઓળખ આપતો ’સાંસ્કૃતિક લોકમેળો’ યોજાયો. ૨૦૧૪માં રાજકોટિયનની મોજ મસ્તી દર્શાવતો ’જમાવટ લોકમેળો’ અને ૨૦૧૫માં કાનુડાની બાળલીલાઓની યાદ અપાવતો ’ગોરસ લોકમેળો’ યોજાયો હતો. એ પછી ૨૦૧૬માં ’મારો રંગીલો મેળો’ અને ૨૦૧૭માં ’વાઈબ્રન્ટ લોકમેળો’ તથા ૨૦૧૮માં ’ગોરસ લોકમેળો’ અને ૨૦૧૯માં ’મલ્હાર લોકમેળા’ની રમઝટ જામી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧માં કોરોનાના કારણે મેળો યોજાયો ન હતો. ત્યારબાદ ૨૦૨૨માં દેશભક્તિના રંગે રંગાયેલો ’આઝાદી કા અમૃત લોકમેળો’ યોજાયો. તે પછી ૨૦૨૩માં આનંદ-ઉલ્લાસથી ભરપૂર ’રસરંગ લોકમેળો’ તથા ૨૦૨૪માં આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન કરતો ’ધરોહર લોકમેળો’ યોજાયો હતો. ગત વર્ષે સિંદૂર ઓપરેશન દરમિયાન આપણા દેશના જવાનોની વીરતાને સન્માનિત કરવા ’શૌર્યનું સિંદૂર લોકમેળો’ નામ રાખવામાં આવ્યું હતું.
આમ, લોકમેળાના આ વિવિધ નામો રાજકોટની જીવંતતા અને સંસ્કૃતિના સાક્ષી બન્યા છે. આ તમામ નામોએ રાજકોટવાસીઓ અને મેળામાં આવતા મુલાકાતીઓના હૃદયમાં અનોખી છાપ છોડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રવાસીઓ તા. ૦૨ સપ્ટેમ્બરથી ૦૬ સપ્ટેમ્બર સુધી યોજાનારા લોકમેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે વર્ષો બદલાય, નામ બદલાય, પણ રાજકોટવાસીઓનો મેળો માણવાનો ભાવ અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મને ઉજવવાનો હરખ ક્યારેય નથી બદલાતો!

