Surat.તા.૨૫
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. મૃતકની ઓળખ નિધિ તરીકે થઈ છે. પરિવાર અને પોલીસ માટે ચોંકાવનારી બાબત એ છે કે મૃતકના આંતરવસ્ત્રોમાંથી સુસાઇડ નોટ મળી આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, નિધિના લગ્નને હજુ માત્ર બે વર્ષ જેટલો સમય થયો હતો. આત્મહત્યાનું પગલું ભરતા પહેલાં લખાયેલી હોવાનું માનવામાં આવતી નોટમાં પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિધિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ડોક્ટરોને તેના આંતરવસ્ત્રોમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. નોટમાં પુરાવા છુપાઈ ન જાય તે માટે તેને સંતાડવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે.
સુસાઇડ નોટ મળી આવ્યા બાદ પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નોટમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા સહિત સમગ્ર ઘટનાના કારણો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નિધિના લગ્નજીવનને માત્ર બે વર્ષનો સમય થયો હતો. આટલા ઓછા સમયમાં પરિણીતાએ આત્મહત્યાનું પગલું ભરતાં પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાના ચોક્કસ કારણો અને નોટમાં કરાયેલા આક્ષેપો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

