Mumbai, તા, 26
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની 95મી વાર્ષિક સાધારણ સભા (AGM) આગામી 18 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈ સ્થિત બોર્ડનાં મુખ્યાલય ખાતે યોજાવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ બેઠક માટે બોર્ડ દ્વારા તમામ પૂર્ણ સભ્યોને નોટિસ મોકલી દેવામાં આવી છે.આ બેઠકના મુખ્ય એજન્ડામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) માં ભારતનાં પ્રતિનિધિના નામાંકન તેમજ બોર્ડના વહીવટી માળખાને લગતાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવશે.
આગામી બેઠકમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ગવર્નિંગ કાઉન્સિલ માટે બે જનરલ બોડી પ્રતિનિધિઓની પસંદગી કરવા માટે ચૂંટણી યોજાશે, જેમાં IPL ના નવા ચેરમેનની નિયુક્તિ પણ સામેલ છે.હાલમાં અરુણ સિંહ ધૂમલ IPL ના ચેરમેન તરીકે કાર્યરત છે. આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 31 ઓગસ્ટ સુધી પ્રતિનિધિઓના નામ મોકલી શકાશે, જ્યારે 1 સપ્ટેમ્બરે મતદાતાઓની યાદી જાહેર થશે.
10 સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરાશે અને 11 સપ્ટેમ્બરે આખરી ઉમેદવારોની યાદી જાહેર કરાશે. ચેરમેન ઉપરાંત બોર્ડ દ્વારા એક લોકપાલ અને એથિક્સ ઓફિસરની નિયુક્તિ પણ કરવામાં આવશે.બેઠકમાં અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ ક્રિકેટ સંઘને એસોસિએટ સભ્યપદ આપવાનાં પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે. અગાઉ એપેક્સ કાઉન્સિલમાં ચર્ચાયેલો આ પ્રસ્તાવ જો મંજૂર થશે, તો અંદમાન અને નિકોબાર બોર્ડના ઔપચારિક માળખામાં સામેલ થઈ જશે.
જોકે, એસોસિએટ સભ્યપદ મળવા છતાં તેમને મત આપવાનો અધિકાર મળશે નહીં, પરંતુ આ પગલાથી ત્યાં ક્રિકેટનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે અને સ્થાનિક ખેલાડીઓ માટે ઘરેલું ક્રિકેટ તેમજ વિકાસ કાર્યક્રમોના દ્વાર ખુલશે.હાલમાં BCCI દ્વારા માન્યતા પ્રાપ્ત ઘરેલું ટુર્નામેન્ટમાં 38 ટીમો ભાગ લે છે. બોર્ડ પોતાનાં સભ્યપદના માળખાની બહારનાં વિસ્તારોને વધુ સંગઠિત કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાંથી 3 અલગ-અલગ રણજી ટીમ આપવાની માંગ પણ ઉઠી છે.જોકે બોર્ડ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં ખેલાડીઓને વધુ તકો પૂરી પાડવા માટે ભારતીય ઘરેલું ક્રિકેટમાં નવી ટીમોનો ઉમેરો થવાની શક્યતા જોવા મળી રહી છે.

