મોબાઇલ એસેસરીઝના ધંધાર્થી જયેશ મેઠાણીને વિશાલ પૂજારાએ ફોન કરી નીચે બોલાવ્યો, બે મહિલા સાથે વાત કરતો હતો ત્યારે શાહરૂખ જુણેજા અને મોહિત તનીયા એક્સેસ પર આવી તૂટી પડ્યા
Rajkot,તા.27
શહેરમાં ખાખીનો ખોફ ઓસરીઓ હોય તેમ નાની નાની બાબતમાં મારામારીના બનાવો શેર બજારના સેન્સેક્સ ના ગ્રાફની જેમ વધી રહ્યો છે.રેલનગરમાં રહેતા વેપારી યુવાનને પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી ત્રણ શખસોએ ધોકા-પાઇપ વડે બેરહેમીથી માર માર્યો હતો. આ અંગે યુવાને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે શહેરના રેલ નગર વિસ્તારમાં આવેલ શિવાલય ચોક પાસે સંકલ્પ સિધ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ ઉર્ફે જેકી જગદીશભાઈ મેઠાણી નામના મોબાઇલ એસેસરીઝનો વેપારીને શાહરૂખ સીરાજભાઈ જુણેજા (રહે. રેલનગર બાલાજી પાર્ક), મોહિત તનીયાએ પોલીસમાં બાતમી આપીયાની શંકાએ માર માર્યા હોવાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ ગઈ તા.24/08/2026ના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ તે ઘરે હતો ત્યારે વિશાલ પૂજારાનો ફોન આવ્યો હતો. વિશાલે કહ્યું હતું કે, તું તારા ઘર નીચે આવ, આપણે મળ્યા નથી તો ઘર પાસે મળીએ. જેથી યુવાન ફ્લેટની નીચે ગયો હતો. બે-પાંચ મિનિટમાં વિશાલ ઘર પાસે આવી ગયો હતો અને તેની સાથે કોઈ મહિલાઓ હતી. એપાર્ટમેન્ટની નીચે ઉભા રહીને તેઓ વાતચીત કરતા હતા.દરમિયાન થોડીવારમાં એક્સેસમાં શાહરૂખ સીરાજભાઈ જુણેજા તથા મોહિત તનીયા બંને આવ્યા હતા. શાહરૂખ અને મોહિતે યુવાનને ગાળો આપી હતી. શાહરૂખે કહ્યું હતું કે, તું મને પોલીસમાં કેમ પકડાવે છે, તેમ કહી ધોકા વડે શરીરે અને માથામાં માર મારવા લાગ્યો હતો. તેની સાથે રહેલ મોહિતે પણ પાઇપથી માર માર્યો હતો. વિશાલે યુવાનને પકડી રાખ્યો હતો અને શાહરૂખ તથા મોહિત આડેધડ મારતા હતા. શાહરૂખે યુવાનને પ્રાઇવેટ પાર્ટમાં પણ પાટા માર્યા હતા.
બૂમાબૂમ થતા યુવાનની પત્ની ક્રિષ્ના ફ્લેટમાંથી નીચે દોડી આવી હતી. ત્યારે શાહરૂખે કહ્યું હતું કે, અત્યારે તારા ઘરના આવી ગયા એટલે તું બચી ગયો, હવે તું ગમે ત્યાં રસ્તામાં ભેગો થઈશ ત્યારે હું તને મારી જ નાખીશ તેવી ધમકી આપી નાસી ગયા હતા.
હુમલામાં યુવાનને માથા, શરીર અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર લીધી હતી. બાદમાં પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે મારામારી, ગાળાગાળી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. રેલનગર વિસ્તારમાં અગાઉ પણ આવા ગુનાહિત તત્વોના ત્રાસની ફરિયાદો ઉઠી છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોએ માંગ કરી છે.

