(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામે વાડીમાં મજૂરી કામ કરતી એક મહિલાને વીજ કરંટ લાગતાં તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, કલ્યાણપુર ગામમાં સંજયભાઈ ગધેથરીયાની વાડીએ ખેતમજૂરી માટે ગયેલા સુરતાબેન લક્ષ્મણભાઈ કાળુભાઈ છારેલ (ઉ.વ.૪૩), મૂળ મોરા ગામ, તા. મોરવાહડફ, જી. પંચમહાલના વતની હતા અને હાલ કલ્યાણપુર ગામે રહેતા હતા.
તા. ૨૫ ઓગસ્ટના બપોરના આશરે અઢી વાગ્યાના સમયે સુરતાબેન વાડીમાં નિંદણનું કામ કરતા હતા. દરમિયાન નિંદણ વાડીના શેઢે નાખવા જતાં ટી.સી. પાસે આવેલા વાયરના સંપર્કમાં આવતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ અંગે મૃતકના પતિ લક્ષ્મણભાઈ કાળુભાઈ છારેલે શેઠ વડાળા પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરાવી છે. બનાવની વધુ તપાસ એ.એસ.આઈ. ડી.આર. સાગઠીયા ચલાવી રહ્યા છે.

