(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭
જામજોધપુર તાલુકાના આંબરડી મેઘપર ગામની ૩૦ વર્ષીય મુકબધીર પરિણીતાએ તેણીના પતિ સહિત સાસરીયા પક્ષના ચાર સભ્યો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ સાંકેતિક ભાષામાં શ્રી રામમુકબધીર વિદ્યાવિહારની મદદનીશ શિક્ષકની હાજરીમાં સમજાવીને નોંધવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી કિરણબેન મનસુખભાઈ સાગઠીયાના લગ્ન રજનીકાન્ત ડાયાભાઈ વાઘેલા સાથે થયેલા હતા. લગ્ન બાદ તેઓ સણાવાવ ખાતે સાસરીયામાં પતિ, સસરા, સાસુ, દિયર અને દેરાણી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ફરિયાદ મુજબ શરૂઆતનો આશરે એક મહિનો લગ્નજીવન સારી રીતે ચાલ્યા બાદ પતિ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવામાં આવતી હતી.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, ઘરકામ બાબતે દિયર અને દેરાણી સાથે પણ ઝઘડો થયો હતો. તે સમયે દેરાણીએ ધક્કો મારી નીચે પાડી મોઢા પર થપ્પડ મારી હતી, જ્યારે દિયરે પાણીના પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. આ સમયે પતિએ પણ પેટના ભાગે લાત મારી હોવાનો આક્ષેપ છે.
આ ઉપરાંત પતિ, દિયર અને દેરાણી સાથે ઝઘડો થાય ત્યારે સાસુ દ્વારા જમવાનું ન આપવું તેમજ તું મૂંગી-બહેરી છો, તને અમારે નથી રાખવી કહી શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિ દ્વારા પિતાનો વીડિયો કોલ આવે ત્યારે વાત કરવા દેવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ તમામ ત્રાસથી કંટાળી ફરિયાદી તેના પિતાના ઘરે પરત આવી હતી અને ત્યારબાદ સાસરે જવાની ના પાડી હતી. પિતાએ પણ પુત્રી પાસેથી સાંકેતિક ભાષામાં સમગ્ર હકીકત જાણી હતી. ત્યારબાદ ફરિયાદીએ પોલીસ સમક્ષ તેના મોબાઇલમાં રહેલા ફોટા બતાવી સાસરીયા પક્ષના સભ્યોની ઓળખ કરાવી હતી.
આ અંગે શેઠવડાળા પોલીસ મથકમાં પતિ રજનીકાન્ત ડાયાભાઈ વાઘેલા, સાસુ સનીબેન ડાયાભાઈ વાઘેલા, દિયર ભરતભાઈ ડાયાભાઈ વાઘેલા અને દેરાણી રમીલાબેન ભરતભાઈ વાઘેલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫, ૫૪ અને ૧૧૫(૨) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

