New Delhi તા, 1
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓના ભારે વિરોધ બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આઈપીએલમાંથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ દૂર કરવા અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે.
વર્ષ 2023માં શરૂ કરાયેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સામે ક્રિકેટરો અને કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓનું માનવું છે કે, આ નિયમને કારણે ઓલરાઉન્ડર ખેલાડીઓનો વિકાસ અટકી રહ્યો છે.
ટીમમાં 12 ખેલાડીઓ સાથે રમવાની સુવિધા હોવાથી હાર્દિક પંડ્યા અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરો પાસે ટીમો બોલિંગ કરાવવાનું ટાળે છે, જે આગળ જતાં ભારતીય ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન પહોંચાડે છે.
આ મુદ્દે મુબંઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી મોટી ફ્રેન્ચાઈઝીઓએ આ નિયમ નાબૂદ કરવા માટે બોર્ડને લેખિતમાં વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે ઓલરાઉન્ડર ખેલાડીઓ પર મોટો ખર્ચ કરતી ટીમો માટે આ નિયમ રમતની અસલી કુશળતાને અસર કરે છે.
સામા પક્ષે બ્રોડકાસ્ટર્સ અને કેટલીક અન્ય ફ્રેન્ચાઈઝીસ આ નિયમના સમર્થનમાં છે, કારણ કે વધારાના બેટ્સમેનના કારણે મેચોમાં વધુ ચોગ્ગા-છગ્ગા અને રોમાંચ જોવા મળે છે.
બીસીસીઆઈએ તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ પાસેથી આ નિયમ અંગે 31 ઓગસ્ટ સુધીમાં તેમનો ફીડબેક માગ્યો હતો, જેમાં હાલમાં 50-50 ટકા જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, બોર્ડ આ પહેલા જ પોતાની સ્થાનિક ટી20 ટૂર્નામેન્ટ ‘સૈયદ મુશ્તાક અલી ટ્રોફી’માંથી આ નિયમ હટાવી ચૂક્યું છે.
આગામી ડિસેમ્બરમાં યોજાનારા મિની ઓક્શન પહેલાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આ વિવાદિત નિયમ રદ કરવા અંગે અંતિમ જાહેરાત કરી શકે છે.

