(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
જામનગર શહેરના સંવેદનશીલ ગણાતા બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે કોઈ જૂની અદાવત અથવા નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાતા ભારે ચકચાર મચી હતી. બંને જૂથો સામસામે આવી ગયા બાદ ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલીનું રૂપ પથ્થરમારામાં ફેરવાયું હતું. એકાએક બંને તરફથી છૂટો પથ્થરમારો શરૂ થતાં વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બેડી વિસ્તારમાં બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક રહેવાસીઓ તેમજ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. થોડા સમય માટે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ દરમિયાન કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બનાવની જાણકારી વધુ લોકો સુધી પહોંચતા ચકચાર મચી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક બેડી વિસ્તારમાં દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તેમજ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો તથા બંને પક્ષના સંડોવાયેલા લોકોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે ગુનો નોંધવાની તજવીજ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલા આ પથ્થરમારાના બનાવને પગલે પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

