શહેર-જિલ્લામાં જુગારના જુદા-જુદા ૮ સ્થળે દરોડાઃ ૫૦થી વધુ શખ્સો ઝડપાયા, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા ૧૧
શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ હોવા છતાં જુગારની લત ધરાવતા તત્વોની પ્રવૃત્તિ અટકી ન હતી. શ્રાવણના અંતિમ દિવસે પણ જુગાર રમતા શખ્સો સામે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુદા-જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવતા મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હતા.
જામનગર શહેરના સિટી એ વિભાગ પોલીસ મથક હેઠળ હવાઈચોક ભાનુશાળીવાડ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો પાસેથી રૂ.૧૦,૩૫૦ની રોકડ તથા ગંજીપાનાં કબજે કરવામાં આવ્યાં હતાં. જ્યારે સિટી બી વિભાગ પોલીસે રામેશ્વરનગર વિસ્તારમાં દરોડો પાડી મહિલાઓ સહિત આઠ શખ્સોને રૂ.૧૯,૨૦૦ની રોકડ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત હીરાસરવાસ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૩ શખ્સો પાસેથી રૂ.૧૫,૬૮૦ની રોકડ તથા બેડેશ્વર-પાણાખાણ વિસ્તારમાં સાત શખ્સોને રૂ.૧૧,૪૨૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. નવાગામઘેડ વિસ્તારમાં પણ તીનપત્તીના જુગાર પર દરોડો પાડી સાત શખ્સોને રૂ.૧૧,૨૩૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસની કાર્યવાહી ચાલુ રહી હતી. શેઠવડાળા પોલીસ દ્વારા મેથાણ ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂ.૧૬,૬૦૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. પંચકોશી બી વિભાગ પોલીસે ખોજાબેરાજા ગામે દરોડો પાડી ચાર શખ્સોને રૂ.૨૧,૧૯૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ચાર શખ્સો નાસી છૂટ્યા હતા. પંચકોશી એ વિભાગ પોલીસે મિયાત્રા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.૫૧,૩૦૦ની રોકડ કબજે કરી હતી.
આમ, શ્રાવણ માસના અંતિમ દિવસે જ જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુગારના અનેક અડ્ડાઓ પર દરોડા પાડી મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે જુગારધારા હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

