આલેખન: વિનોદભાઇ માછી નિરંકારી
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી.મોરેશ્વર નામના ગણપતિના એક અનોખા ભક્ત થઈ ગયા. તેમની નિશ્છલ ભક્તિના કારણે જ પ્રભુ સાથે તેમનું નામ જોડાઈ ગયું તેથી આ દિવસોમાં “ગણપતિ બાપ્પા મોરિયા”ના પવિત્ર નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિમુનિઓએ ગણપતિને ખૂબ જ મહત્વ આપ્યું છે.પ્રત્યેક શુભ કે મંગળ કાર્યમાં તેમનું જ પ્રથમ પૂજન કરવામાં આવે છે.
પુરાણોમાં એક પ્રસિદ્ધ કથા આવે છે કે માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઈ.તેમણે પોતાના શરીર પરથી મેલ ઉતારીને તેનું એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યા,જેથી તે બાળક જીવંત બન્યું. તેમણે તે બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને આદેશ આપ્યો કે “હું સ્નાન કરવા બેસું છું, તેથી કોઈપણ વ્યક્તિ આવે તો તેને અંદર આવવા દેવો નહીં.” આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં. બરાબર તે જ સમયે કૈલાસમાં શિવજીની સમાધિ ખુલી (કિલ+આસ એટલે કે જેની પ્રસિદ્ધ સત્તા રહેલી છે તે પરમાત્મા ‘કિલાસ’ કહેવાય અને કિલાસના નિવાસસ્થાનનું નામ ‘કૈલાસ’ સમાધિ એટલે મહાપ્રલયકાળનું એકાંતિક સ્થાન) હાથમાં ત્રિશૂળ લઈને તેઓ પોતાના ઘર તરફ ઉપડ્યા.ઘરે આવીને જુએ છે તો એક બાળક દ્વાર પર પહેરો ભરી રહ્યો હતો,જે શિવજીને અંદર જતાં અટકાવે છે.પોતાના જ ઘરમાં પ્રવેશ કરતાં અટકાવનાર આ કોણ? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમણે ત્રિશૂળ માર્યું જેથી તે બાળકનું મસ્તક કપાઈ ગયું.
અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઈને શિવજી અંદર ગયા.પાર્વતીજીએ પૂછ્યું કે “તમે આ શું કરીને આવ્યા?” શિવજીએ કહ્યું કે “દ્વાર પર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી હું તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.” આ સાંભળીને માતા પાર્વતીજીને ઊંડો આઘાત લાગ્યો.પાર્વતીજીને શાંત અને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવજી પોતાના પાર્ષદોને કોઈનું શિશ (મસ્તક) શોધી લાવવા મોકલે છે. સેવકો રસ્તામાંથી પસાર થતાં એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઈ આવે છે, જેને બાળકના કપાયેલા ધડ પર ચોટાડી દેવામાં આવે છે-તે જ આપણા ગણપતિ ! ત્યારબાદ ભગવાન સદાશિવ તેમને આશીર્વાદ આપે છે કે “આજથી કોઈપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવી-દેવતાઓ પહેલાં તમારી પૂજા કરવામાં આવશે.” ત્યારથી દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણપતિજીનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.
આ કથા વાંચીને સહજ રીતે કેટલીક શંકાઓ ઉપસ્થિત થાય..
શું માતા પાર્વતીજીના શરીર પર એવો તે કેટલો મેલ જમા થયો હશે કે જેનું આખું પૂતળું બની જાય? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે,તો શું તેમને ખબર ન પડી કે આ તેમનો જ પુત્ર છે? તેમ છતાં તેમણે એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં આવીને પોતાનું કર્તવ્ય બજાવી રહેલા બાળકનો શિરચ્છેદ કેમ કરી નાખ્યો? જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકતા હોય તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ફરીથી ન ચોટાડી શકે? એક નિર્દોષ પ્રાણીની હત્યા શા માટે કરાવી? અને શું માનવના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થઈ શકે ખરૂં?
વાસ્તવમાં આ બધી ભૌતિક કે સ્થૂળ ઘટનાઓ નથી પરંતુ સંતો અને મહાપુરૂષોએ આ કથાત્મક રૂપક દ્વારા આપણને ગહન આધ્યાત્મક જ્ઞાન પીરસ્યું છે.પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટિ રચવાનો સંકલ્પ થયો ત્યારે તેમણે સૌપ્રથમ ‘મહત્તત્વ’ની રચના કરી.બાહ્ય જગતની દ્રષ્ટિએ એ વિરાટ-બીજને મહત્તત્વ કહે છે.આભ્યંતરિક દ્રષ્ટિએ આ એવો વિવેક કે બુદ્ધિ છે જે જીવમાત્રમાં વિદ્યમાન રહે છે અને તે જ્ઞાતા-જ્ઞેયના અન્યોન્ય ભેદાભેદનો નિશ્ચય તથા નિર્ણય કરે છે.
સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિ-પ્રક્રિયાનું મુખ્ય કારણ મહત્તત્વ જ છે.તદાનુસાર પ્રકૃતિ અને પુરૂષના સંયોગથી પ્રકૃતિમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને તેની સામ્યાવસ્થા તૂટી જાય છે.આ વિક્ષોભની સ્થિતિને ‘ગુણક્ષોભ’ કહેવામાં આવે છે.આ પ્રકૃતિ વિકૃતિનું રૂપ લેવા લાગે છે અને પ્રકૃતિનો પહેલો વિકાર ‘મહત્’ કે ‘બુદ્ધિ’ રૂપે ઉદ્ભવે છે.આ બુદ્ધિમાંથી અહંકાર પ્રગટે છે.સાત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો અને મન. તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ ઉદભવે છે અને રાજસ અહંકારથી ઉપરોક્ત બંને અહંકારોને પુષ્ટિ મળ્યા કરે છે.આ રીતે મહત્તત્વમાંથી સૃષ્ટિના પ્રાકટ્યની પ્રક્રિયા થયા કરે છે.
આ મૂળ પ્રકૃતિ જેને આપણે શક્તિ કહીએ છીએ-પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકાર થયો તે મહત્તત્વ-બુદ્ધિ,તેમાંથી અહંકાર અને શબ્દ,સ્પર્શ,રૂપ,રસ તથા ગંધ-આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂત પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ, પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન,નાક,જીભ અને ત્વચા, પાંચ કર્મેન્દ્રિયો હાથ,પગ,મુખ,ગુદા અને ઉપસ્થ તથા મન. આમ પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો ‘પુરૂષ’ છે.આ બધામાં સૌપ્રથમ મહત્તત્વ-બુદ્ધિનું નિર્માણ થાય છે.આ બુદ્ધિ તે જ પેલો બાળક !
ગણપતિ (બુદ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલું હતું જે ભોગપ્રધાન હોય છે અને તેની વૃત્તિઓ સાંસારિક ભોગ-વિલાસ તરફ જ હોય છે,તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું દિવ્ય મસ્તક ગોઠવવામાં આવે છે.ગણપતિનું મસ્તક હાથીનું જ દર્શાવવામાં આવ્યું છે કારણ કે હાથી એ તમામ પ્રાણીઓમાં અત્યંત બુદ્ધિશાળી અને ગંભીર પ્રાણી છે.પ્રાકૃતિક બુદ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે,ઇન્દ્રિયો જેમ નચાવે તેમ તે નાચતી હોય છે.યોગવાસિષ્ઠ રામાયણમાં બે પ્રકારના મન દર્શાવવામાં આવ્યા છે.એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન જે મૂર્છાવસ્થામાં પડ્યું છે તે.
ગણપતિજીના સ્વરૂપનું સૂક્ષ્મ રહસ્ય:
ઝીણી આંખો: ગણપતિજીની અતિ સૂક્ષ્મ આંખો બારીક અવલોકન કરવાની ક્ષમતા દર્શાવે છે.તે માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે.આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ રાખીને આપણને ખબર પણ ન પડે તે રીતે આપણામાં પ્રવેશતા દોષોને અટકાવવા જોઈએ.
મોટું નાક: મોટું નાક દૂર દૂર સુધીની સુગંધ કે દુર્ગંધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે. તત્વવેત્તા અને જ્ઞાની પુરૂષમાં દીર્ઘદ્રષ્ટિપણું-દૂરદર્શીપણું હોવું જોઈએ.પ્રત્યેક વાત કે પરિસ્થિતિની ગંધ તેમને અગાઉથી જ આવી જવી જોઈએ.
મોટા કાન: મોટા કાન ‘બહુશ્રુત’ હોવાનું દર્શાવે છે એટલે કે ઘણું બધું સાંભળીને જેમણે જ્ઞાનનિધિ વધારી છે છતાં હજુ પણ વધુ સત્સંગ સાંભળવા તૈયાર રહે છે.તેમના કાન સૂપડા જેવા છે.સૂપડાનો ગુણ છે કે સાર-તત્વને ગ્રહણ કરી લેવું અને કચરા-ફોતરાંને ફેંકી દેવા. બે દાંત એક આખો અને બીજો અડધો: ગણપતિને બે દાંત છે.એક અખંડ અને બીજો ખંડિત.આખો દાંત શ્રદ્ધાનું પ્રતીક છે અને તૂટેલો દાંત બુદ્ધિનું પ્રતીક છે.જીવનના સાચા વિકાસ માટે આત્મશ્રદ્ધા અને ઈશ્વરશ્રદ્ધા સંપૂર્ણ અખંડ હોવી જોઈએ.બુદ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો આવશ્યક છે.પરમાત્માએ માનવને બે અમૂલ્ય ભેટ આપી છે: શ્રદ્ધા અને બુદ્ધિ.આ બંનેનો સમન્વય થાય તો જ જીવનનો સાચો વિકાસ થાય છે.માનવીની બુદ્ધિ સીમિત હોવાથી આખરે તેને અખૂટ શ્રદ્ધાનો સહારો લેવો પડે છે.ખંડિત દાંત એ બુદ્ધિની મર્યાદાનું અને પૂર્ણ દાંત એ અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે.
ચાર હાથ અને આયુધો: ગણપતિજીને ચાર હાથ છે,જેમાં અનુક્રમે અંકુશ,પાશ,મોદક અને આશીર્વાદ આપતો હાથ અભયમુદ્રા છે.
અંકુશ: વાસના અને વિકારો પર નિયંત્રણ તથા સંયમ જરૂરી છે તે દર્શાવે છે.
પાશ: જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને નિયંત્રિત અને શિક્ષિત કરવાનું સામર્થ્ય પણ તત્વવેત્તાઓમાં હોવું જોઈએ તે દર્શાવે છે.
મોદક: મોદક એટલે જે ‘મોદ’ આનંદ કરાવે તે. મહાપુરૂષોનો આહાર અને વિચાર આનંદ તથા સંતોષ આપે તેવો સાત્વિક હોવો જોઈએ.એક હાથમાં મોદક રાખીને તેઓ પોતાના વહાલા ભક્તોને આનંદ આપવા માટે બોલાવી રહ્યા છે.
વિશાળ પેટ: વિશાળ પેટ બધી વાતો પચાવવાની અદભૂત ક્ષમતા દર્શાવે છે.સમુદ્રમાં જેમ બધું સમાઈ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં પણ દરેક વાત સમાઈ જાય છે.બીજાની સાંભળેલી વાતો કે રહસ્યો પોતાના વિશાળ પેટમાં ગુપ્ત રાખવાં-એ આનું સૂચન છે.
નાના પગ: ગણપતિના પગ નાના છે.નાના પગ “ઉતાવળા સો બાવરા,ધીરા સો ગંભીર” એ કહેવતનો સાર સમજાવે છે.ટૂંકા પગ એ ગંભીરતા અને બુદ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તેઓ પોતે જ ચંચળ થઈને દોડ્યા કરતા નથી પરંતુ પોતાની બુદ્ધિથી બીજાને યોગ્ય દિશામાં દોડાવે છે.
વાહન ઉંદર: ગણપતિજીનું વાહન ઉંદર છે.મહાપુરૂષોના સાધનો ભલે નાના હોય પરંતુ સ્વભાવ એટલો નમ્ર હોવો જોઈએ કે જેથી તેઓ સહેલાઈથી સૌના હૃદયમાં કે ઘરમાં સ્થાન પામી શકે.બીજી એક વ્યવહારિક નીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે: ઉંદર જ્યારે કરડે છે ત્યારે ફૂંક મારીને કરડે છે જેથી સામેવાળાને તુરંત ખબર પડતી નથી.તત્વવેત્તા પણ કોઈને માર્ગદર્શિત કરે કે કડવી વાત કહે ત્યારે એવી મિઠાસ અને વિવેકથી કહે કે સાંભળનારને ખોટું ન લાગે અને કાર્ય પણ સિદ્ધ થઈ જાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિ કે ગ્રાહ્યતાનું પણ પ્રતીક છે-જ્યાંથી પણ જે સારૂં અને શ્રેષ્ઠ મળે તેને ગ્રહણ કરી લેવું અને તેનો સદુપયોગ કરવો.
પ્રથમ પૂજન અને મનનું આધ્યાત્મિક રહસ્ય:
દરેક શુભ કાર્યની સિદ્ધિ માટે ગણપતિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.તત્વવેત્તાઓ અને શ્રેષ્ઠ મહાપુરૂષો સમાજના ‘ગણપતિ’ છે.કોઈપણ કાર્યની સિદ્ધિ માટે સર્વપ્રથમ આવા શ્રેષ્ઠ પુરૂષોનું પૂજન કરવાથી,તેમને આમંત્રિત કરવાથી અને તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સફળ થાય છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી ઇન્દ્રિયોનો એક ‘ગણ’ સમૂહ છે અને આ ગણનો પતિ એટલે આપણું ‘મન’. કોઈપણ કાર્યને સિદ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઈએ એટલે કે કાર્યના પ્રારંભ પહેલાં મનને શાંત,સ્થિર અને એકાગ્ર કરવું જોઈએ જેથી કોઈપણ વિઘ્ન ઉત્પન્ન જ ન થાય અને કાર્ય સરળતાથી પાર પડી શકે.
ગણેશ વિસર્જન અને સાર્વજનિક ઉત્સવનું રહસ્ય:
ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીની સ્થાપના કરીને દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યા બાદ અનંત ચૌદશના દિવસે તેમનું જળમાં વિસર્જન કેમ કરવામાં આવે છે? કારણ કે આપણે શાંતને અનંતમાં,સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ.સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર પરમાત્મા સર્વવ્યાપક છે.જીવનમાં પણ વ્યક્તિ-પૂજાથી શરૂઆત કરીને તત્વ-પૂજા તરફ આગળ વધવાનું હોય છે.અંતિમ પ્રમાણ આપણે ‘તત્વ’ને જ માન્યું છે.ટૂંકમાં ગણપતિનું વિસર્જન એટલે વિરાટ પરમાત્માની પૂજાનો આરંભ.સૌ પરમાત્માના જ સંતાનો છે તેથી સૌ મારા ભાઈઓ છે અને આપણું સૌનું દૈવી સગપણ છે-એ જ ભાવના કેળવવાની છે.
સાર્વજનિક ગણેશ ઉત્સવ એ આપણી એકતા અને સંગઠનની ભાવનાનું મહાન પ્રતીક છે.નિજ મંદિરમાં બિરાજમાન ભગવાન પોતાની પાસે આવનાર ભક્તને કહે છે કે “જો તારે મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક/ભોગપ્રધાન બુદ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુદ્ધ ‘શૈવ-બુદ્ધિ’ (દિવ્ય બુદ્ધિ)ની સ્થાપના કર.” સાંસારિક વાસના નહીં પરંતુ આ શુદ્ધ અને વિવેકી બુદ્ધિ જ આપણને શિવ (પરમાત્મા) સુધી પહોંચાડે છે.આ જ સત્ય સમજાવવા માટે શિવાલયમાં પણ ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે.શિવ એટલે કલ્યાણ. શિવ પોતે અજન્મા,નિર્ગુણ,નિરાકાર અને અવ્યક્ત બ્રહ્મ છે.

