Ahmedabad,તા.૧૮
અમદાવાદના વાડજ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી ગણતરી ક્ષણોમાં ગંભીર ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. પરિવારના બે ભાઈઓ વચ્ચે પૈસા અને બેરોજગારીની બાબતે થયેલી તકરાર બાદ ૨૮ વર્ષીય નરેશ ચૌહાણનું મોત થયું છે. શરૂઆતમાં ઘરમાં શું બન્યું તેની જાણ બહાર કોઈને નહોતી, પરંતુ નરેશની બહેન ઘરે પહોંચ્યા બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઇને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોટાભાઇની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના વાડજ વિસ્તારમાં નરેશ ચૌહાણ પરિવાર સાથે ગાંધીનગરના ટેકરામાં રહેતો હતો. નરેશ બેરોજગાર હોવાથી તેના મોટાભાઈ રાજુ ચૌહાણ સાથે પૈસા સહિતની બાબતોને લઈને અવારનવાર બોલાચાલી થતી હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. ગઇકાલ સાંજે પણ બંને ભાઈઓ વચ્ચે પૈસાની બાબતે તકરાર થઈ હતી. ઘરમાં શરૂ થયેલી આ બોલાચાલી ધીમે-ધીમે ઉગ્ર બની હતી. આ દરમિયાન રાજુએ ઘરમાં પડેલા તીક્ષ્ણ હથિયાર વડે નરેશ પર હુમલો કર્યો હતો. હુમલામાં નરેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ઘટના બાદ ઘરમાં કોઈ હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ રાજુ ત્યાંથી નીકળી ગયો હતો. બીજી તરફ નરેશ ગંભીર હાલતમાં ઘરમાં જ હતો. થોડીવાર બાદ નરેશની બહેન ઘરે પહોંચી હતી. ઘરમાં પ્રવેશતાં જ નરેશ ગંભીર હાલતમાં જોવા મળ્યો હતો. પરિસ્થિતિ જોતા બહેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ નરેશનું મોત નિપજ્યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. મૃતકની બહેને પોતાના મોટાભાઈ રાજુ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે રાજુને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન વાડજ પોલીસે રાજુ ચૌહાણને અટકાયતમાં લીધો છે. પોલીસ દ્વારા હવે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારને કબ્જે કરવાની કાર્યવાહી સહિત અન્ય પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
વાડજ પીઆઇ એચ.પી. ગરાસિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજુએ ઘરકંકાસના કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને હથિયાર કબ્જે કરવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપીને હસ્તગત કરવામાં આવ્યો છે અને મૃતકની બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી રહી છે. હત્યા અંગે બીજું કોઈ કારણ હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
પોલીસની પ્રાથમિક તપાસમાં નરેશ બેરોજગાર હોવા તથા પૈસાની બાબતે બંને ભાઈઓ વચ્ચે તકરાર થતી હોવાની વિગતો સામે આવી છે. ઘટનાના સમયે નરેશ નશામાં હતો કે કેમ તે સહિતની વિગતો પણ તપાસનો ભાગ છે. જોકે, હત્યા પાછળ માત્ર ઘરકંકાસ જ કારણ હતું કે અન્ય કોઈ કારણ પણ સંકળાયેલું છે તે પોલીસની આગળની તપાસ બાદ સ્પષ્ટ થશે.
હાલ વાડજ પોલીસ દ્વારા પરિવારના સભ્યોના નિવેદન, ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને અન્ય વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. એક જ ઘરમાં સાથે રહેતા બે ભાઈઓ વચ્ચેની તકરાર આખરે નાના ભાઈના મોત અને મોટાભાઈની પોલીસ અટકાયત સુધી પહોંચી જતા વિસ્તારમાં પણ ચકચાર મચી છે.

