(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૨૧ઃ
સુરેન્દ્રનગરમાં જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા આવતી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી ‘‘સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ‘‘ થીમ હેઠળ શ્રી અવધેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ, ભક્તિનંદન સર્કલ પાસે વિવિધ ધાર્મિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણીના ભાગરૂપે જાહેર જનતા માટે સવારે ૮૦૦ થી ૧૦૦૦ કલાક દરમિયાન ધન્વંતરિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સવારે ૯૦૦ થી બપોરના ૧૦૦ કલાક સુધી નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ ખુલ્લો રહેશે. આ કેમ્પમાં ઉપસ્થિત રહેનાર તમામ નાગરિકો માટે સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.
કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચામડી, સ્ત્રી રોગો, સાંધાના દુખાવા તથા બદલાતી જીવનશૈલીને લગતા વિવિધ રોગોનું ચોક્કસ નિદાન કરી આયુર્વેદિક અને હોમિયોપેથી પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, લોકોને નિરોગી જીવન જીવવા તથા યોગ સંબંધી માર્ગદર્શન પણ આપવામાં આવશે. સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક કેમ્પનો મહત્તમ લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

