(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪ઃ
જામનગર શહેર અને જિલ્લામાં અલગ-અલગ ચાર બનાવમાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજતાં સંબંધિત પોલીસ મથકોમાં અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝેરી દવા પી યુવકનો આપઘાત
જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ધુવાવ ગામે રહેતા ૨૮ વર્ષીય જતીનભાઇ નરેન્દ્રભાઇ કણજારીયાએ આર્થિક રીતે પૈસાની જરૂરિયાત અને લગ્ન ન થયા હોવાની બાબત મનમાં લાગી આવતા તા.૧૨ સપ્ટેમ્બરના રોજ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તા.૨૧ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે તેમના પિતા નરેન્દ્રભાઇ કણજારીયાએ પોલીસને જાણ કરી હતી.
બીમારીથી આધેડનું કરુણ મૃત્યુ
જોડીયા તાલુકાના કેશીયા ગામે ૬૧ વર્ષીય રૂઘનાથભાઇ કુવરજીભાઇ ગોધાણીની તબિયત અચાનક લથડતાં તેમનું મોત નિપજ્યું હતું. અગાઉ તેમને મગજની બીમારી તથા પેરાલીસીસનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. તબિયત ખરાબ થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર બાદ તેમને વતન કેશીયા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ બગડતાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
શ્રમિકની તબિયત બગડતાં મોત
મેઘપર-પડાણા પોલીસ મથક હેઠળના કાનાલુસ ગામે ૫૪ વર્ષીય અજીતસિંહ ઉમેરસિંહ સોલંકી પોતાના ઘરના ગોડાઉનમાં કડિયા કામ કરતા હતા. દરમિયાન અચાનક તબિયત બગડતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
તબિયત ખરાબ થતાં આધેડનું મોત
જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથક હેઠળ શંકર ટેકરીના વલ્લભનગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય ગીરધરભાઇ શંકરભાઇ વાઘેલાની ઘરે તબિયત સારી ન રહેતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ હેઠળ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

