મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબોની સેવા , રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪ઃ
જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિન નિમિત્તે આજે જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન શિબિર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પ્રતિવર્ષની જેમ આ વખતે પણ ઓશવાળ સેન્ટર ખાતે મીની હોસ્પિટલ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવાની સાથે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એક તરફ રક્તદાન શિબિર ચાલી રહી હતી, જેમાં રક્તદાતાઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો, તો બીજી તરફ વિવિધ વિભાગના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ અને સારવારની કામગીરી ચાલી રહી હતી.
સાંસદ પૂનમબેન માડમને જન્મદિનની શુભેચ્છા પાઠવવા માટે પણ ઓશવાળ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. સંગઠનના હોદેદારો, શહેરના નગરસેવકો તથા સંગઠનના તમામ હોદેદારો ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ઉપસ્થિત રહી સાંસદ પૂનમબેન માડમને આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, જિલ્લાના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નણવાણી, ડી.કે.વી. બેંકના ચેરમેન જીતુભાઈ લાલ સહિતના મહાનુભાવો પણ બપોરે ૧૨૩૦ વાગ્યા સુધીમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શહેરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, એડવોકેટો, વિવિધ સમાજના પ્રમુખો અને હોદેદારો, મહિલાઓ સહિત વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિનની શુભેચ્છા પાઠવવા માટે પણ લોકોનો ધસારો જોવા મળતાં સમગ્ર ઓશવાળ સેન્ટર દિવસ દરમિયાન ધમધમતું રહ્યું હતું.

