(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪ઃ
ધ્રોળ જામનગર જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી બે અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા.લાલપુર પોલીસે ટેભડા ગામની આકડીયાર સીમમાં બાવળની ઝાડીમાં દરોડો પાડતાં ૭ લીટર દેશી પીવાનો દારૂ તથા ૮ લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો મળી આવ્યો હતો. કુલ રૂ.૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની રેઇડ દરમિયાન આરોપી સુલેમાનભાઇ મામદભાઇ કુરેશી હાજર મળી આવ્યો ન હતો. આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજા બનાવમાં સીટી-સી ડિવિઝન પોલીસે ઢીંચડા રોડ પર તીરૂપતી પાર્ક ખાતેના મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીં ચંદીગઢથી ગેરકાયદે રીતે પરમીટ વગર લાવવામાં આવેલી વિદેશી દારૂની ૨૯ બોટલ મળી આવી હતી. જેમાં બેલેન્ટાઇન ફાઇનસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૨૪ બોટલ અને બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૫ બોટલનો સમાવેશ થાય છે. કુલ રૂ.૪૪,૮૧૩નો દારૂ ઝડપાયો હતો અને સંજયકુમાર સુરેશકુમાર સાંગવાન નામના ૩૮ વર્ષીય આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. બંને બનાવમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

