મકાનને તાળું મારી બહાર ગયેલી મહિલાના ઘરમાં તસ્કર ત્રાટક્યો, લોકર તોડી રૂ.૨ લાખ રોકડા અને સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫ઃ
જામનગરના ઢીચડા રોડ પર આવેલી તીરૂપતિ સોસાયટીના યોગી પાર્કમાં બ્યુટી પાર્લર સંચાલક મહિલાના નિવાસસ્થાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મકાનને તાળું મારી બહાર ગયેલી મહિલાના ઘરમાં અજાણ્યો તસ્કર પ્રવેશી પતરાના કબાટમાં રાખેલા લોકરનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના તથા રૂ.૨ લાખ રોકડા મળી કુલ રૂ.૩.૦૭ લાખની ચોરી કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
યોગી પાર્ક, શેરી નં.૭માં ભાડાના મકાનમાં રહેતા અને શ્રીનિશ બ્યુટી પાર્લર ચલાવતા ૩૯ વર્ષીય નીકીતાબેન ઉર્ફે નીશાબેન અરવિંદભાઈ વાગડીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા.૨૨ સપ્ટેમ્બરના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેઓ અને તેમના મકાનના નીચેના માળે રહેતી કિરણબા પૃથ્વીરાજસિંહ પરમાર બંને કામસર પટેલ કોલોની ગયા હતા. બંનેએ પોતાના મકાનને તાળાં માર્યાં હતાં.રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં નીકીતાબેન પરત ઘરે આવ્યા હતા અને મકાનનું તાળું ખોલી અંદર ગયા હતા. ત્યારબાદ તેઓ કપડાં ધોવા માટે નીચે ગયા હતા. પોણા બાર વાગ્યાના અરસામાં કપડાં ધોઈને પોતાના રૂમમાં પરત ગયા ત્યારે પતરાના કબાટમાં રાખેલા લોકરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.
લોકરની તપાસ કરતાં તેમાં રાખેલું આશરે એક તોલાનું સોનાનું મંગળસૂત્ર કિંમત રૂ.૭૦ હજાર, આશરે ૬ ગ્રામની સોનાની લકી કિંમત રૂ.૩૫ હજાર, ચાંદીની નંગવાળી વીંટી કિંમત રૂ.૧ હજાર તથા ચાંદીના દાણા અને ચાંદીની નથણીઓ આશરે રૂ.૧ હજાર મળી કુલ રૂ.૧.૦૭ લાખના દાગીના ઉપરાંત લોકરમાં રાખેલા રૂ.૨ લાખ રોકડા ગાયબ હોવાનું જણાયું હતું.આમ, અજાણ્યો તસ્કર મકાનનું તાળું ખોલી અંદર પ્રવેશ્યા બાદ રૂમમાં રહેલા પતરાના કબાટનું લોકર તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.૩.૦૭ લાખની મત્તા ચોરી કરી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ચોરીની જાણ થતાં નીકીતાબેને નીચે રહેતી તેમની બહેનપણી કિરણબા પરમારને વાત કરી હતી. ત્યારબાદ બંનેએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. દાગીનાના બિલ મેળવી લીધા બાદ તા.૨૪ સપ્ટેમ્બરે પોલીસ મથકે પહોંચી અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ચોરી અંગે કોઈ વ્યક્તિ ઉપર શંકા કે વહેમ ન હોવાનું પણ પોલીસને જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

