રસ્તા પર આડેધડ રેકડીઓ અને વાહનો પાર્ક કરાતા ટ્રાફિક જામની સમસ્યા, ૧૦ રેકડીઓ સહિત ૩૦ વજનકાંટા, છત્રીઓ અને શાકભાજીના કેરેટો જપ્ત કરાયા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫ઃ
Jamnagar શહેરમાં દીપક ટોકીઝથી લઈને સાક માર્કેટ અને ત્યાંથી દરબારગઢ સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર વહેલી સવારથી જ શાકભાજીના રેકડીધારકો અને ખરીદી માટે આવતા લોકોના વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સવારથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસ્ટેટ શાખાના અધિકારી યુવરાજસિંહ ઝાલાની આગેવાની હેઠળ ૧૫થી વધુ કર્મચારીઓની ટીમ વહેલી સવારે જ દીપક ટોકીઝથી દરબારગઢ સુધીના વિસ્તારમાં ઉતરી પડી હતી. રસ્તા પર અડચણરૂપ રીતે ઊભી રાખવામાં આવેલી શાકભાજીની રેકડીઓ તેમજ અન્ય સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.મનપાની ટીમે કાર્યવાહી દરમિયાન કુલ ૧૦ રેકડીઓ કબજે કરી હતી. ઉપરાંત શાકભાજી વેચાણ માટે ઉપયોગમાં લેવાતા આશરે ૩૦ વજનકાંટા, રેકડીઓ પર લગાવવામાં આવેલી છાંયડીઓ-મોટી છત્રીઓ, મોટી સંખ્યામાં શાકભાજીના કેરેટો સહિતની વિવિધ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની ટીમે જપ્ત કરેલી તમામ સામગ્રીના બે ટ્રેક્ટર ભરીને સામાન મનપાની કચેરી ખાતે જમા કરાવ્યો હતો.દીપક ટોકીઝથી દરબારગઢ સુધીના માર્ગ પર વહેલી સવારે શાકભાજી-ફળફળાદીના વેપારીઓ રેકડીઓ રસ્તા પર આડી રાખી દેતા હોવાની સાથે ખરીદી કરવા આવતા લોકો પણ પોતાના વાહનો રસ્તા પર જ પાર્ક કરી દેતા હોવાથી વાહનવ્યવહારને ભારે અસર થતી હોવાનું મનપાના ધ્યાનમાં આવ્યું હતું. રેકડીઓ અને વાહનોના કારણે અનેક વખત રસ્તો સાંકડો થઈ જતાં ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો પણ ઊઠી હતી.આજે વહેલી સવારે મનપાની એસ્ટેટ શાખાની ટીમ અચાનક કાર્યવાહી માટે પહોંચી જતાં શાકભાજીના રેકડીધારકો તથા અન્ય વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. રસ્તા પર અડચણરૂપ સામાન હટાવવાની સાથે મનપાની ટીમે રેકડીઓ અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.શહેરના મુખ્ય માર્ગ પર વહેલી સવારથી જ સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તા પર અડચણરૂપ દબાણો દૂર કરવા માટે મનપાની એસ્ટેટ શાખાએ હાથ ધરેલી આ કાર્યવાહીને પગલે આજે દીપક ટોકીઝથી દરબારગઢ સુધીના માર્ગ પર મનપાની તવાઈ જોવા મળી હતી.

