મોબાઈલ કેમેરામાં કેદ થયો સિંહનો રખેવાળી કરતો રોમાંચક વીડિયો, સોશિયલ મીડિયામાં થયો વાયરલ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૫ઃ
ધારી પંથકમાં સિંહોની અવર જવર વચ્ચે વધુ એક રોમાંચક ઘટના સામે આવી છે. જેમાં ધારી તાલુકાના દીતલા ગામમાં ઢળતી સંધ્યાએ એક ડાલામથ્થો સિંહ અચાનક ખેડૂતના ખેતરના રહેણાંકી મકાન બહાર આવી પહોંચતા આસપાસના ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. મકાન બહાર પહોંચેલો સિંહ જાણે રાત્રીનો ચોકીદાર બનીને થોડો સમય ત્યાં જ બેસી રહ્યો હતો. સિંહનો રખેવાળી કરતો રોમાંચક વીડિયો, સોશિયલ મીડિયામાં થયો વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ દીટલા ગામના ખેડૂત રમેશ સાવલીયાના ખેતરના રહેણાંકી મકાન બહાર ઢળતી સંધ્યાના સમયે અચાનક એક ડાલામથ્થો સિંહ આવી પહોંચ્યો હતો. મકાનની બહાર જ સિંહે ધામો નાખી દેતા ખેતરમાં હાજર લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
અચાનક મકાન બહાર આવી પહોંચેલા સિંહની હાજરીને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં ડાલામથ્થો સિંહ મકાનની બહાર શાંતિથી બેઠેલો જોવા મળે છે અને જાણે આસપાસના વિસ્તારની રખેવાળી કરતો હોય તેવો રોમાંચક નજારો જોવા મળ્યો હતો. સિંહની આ અચાનક એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દીટલા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં સિંહની ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ખેતરોમાં રાત્રિના સમયે અવરજવર કરતા ખેડૂતોમાં સિંહની મકાન સુધીની પહોંચને લઈને ચિંતા જોવા મળી રહી છે.
ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત અવરજવર જોવા મળતી હોય છે ત્યારે રહેણાંકી મકાનની બહાર જ ડાલામથ્થો સિંહ આવી પહોંચવાની આ ઘટના ફરી એક વખત વન્યજીવ અને માનવ વસાહત વચ્ચે વધતી નિકટતા તરફ ધ્યાન દોરે છે. ખેડૂતો દ્વારા આવા વિસ્તારોમાં રાત્રિના સમયે સાવચેતી રાખવા અને વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠી રહી છે.

