Ahmedabad,તા.૨૮
ગુજરાતમાં અવારનવાર અનેક વસ્તુઓમાં ભેળસેળના સમાચાર સામે આવે છે. ત્યારે આજે ઘીમાં ભેળસેળને લઈને છસ્ઝ્રના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. માધુપુરા માર્કેટમાં આવેલા એક ટ્રેડર એકમ પર દરોડા પાડીને અલગ-અલગ બ્રાન્ડના આશરે ૫૦૦ લિટર ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના જણાવ્યા મુજબ, અગાઉ લેવામાં આવેલા ઘીના સેમ્પલના ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં સેમ્પલ ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘીનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવા ઘી શુદ્ધ ધીના અડધા જેટલા ભાવે વેચાતા હોવાનું વેપારીએ જણાવ્યું છે.
ફૂડ અધિકારી રાકેશ ગામીતના જણાવ્યા મુજબ, ૧૬ સપ્ટેમ્બરે અલગ-અલગ સ્થળેથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ રિપોર્ટ બાદ ઘીના મેન્યુફેક્ચરિંગ યુનિટ અંગે તપાસ કરવા માટે વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા સંબંધિત ઘીના જથ્થાનું વેચાણ પણ સ્થગિત કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું છે.
સેમ્પલના રિપોર્ટ બાદ એએમસીના ફૂડ વિભાગની ટીમે માધુપુરા માર્કેટમાં આવેલા ટ્રેડર એકમ પર કાર્યવાહી કરી હતી. અહીંથી અલગ-અલગ બ્રાન્ડના આશરે ૫૦૦ લિટર ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના જણાવ્યા મુજબ, શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘીનું વેચાણ થતું હોવાની બાબત તપાસમાં સામે આવી છે. આ મામલે સંબંધિત એકમ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
માધુપુરા માર્કેટમાં આવેલી દુકાન માલિકે આ અંગે જણાવતા કહ્યુ છે કે, શુદ્ધ ઘીની કિંમત આશરે રૂ.૮૦૦ જ્યારે સબસ્ટાન્ડર્ડ ઘીની કિંમત રૂ.૫૦૦ છે. તેમના જણાવ્યા પ્રમાણે, સંબંધિત કંપની છેલ્લા ૨૫ વર્ષથી ઉત્પાદન કરે છે અને તેમને આ ઘીની ગુણવત્તા અંગે જાણકારી નહોતી. આ કાર્યવાહીમાં ‘ગોપીશ્રી ઘી’ના જથ્થા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ અગાઉ રાજકોટમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. એસઓજીએ વોલ્ગા ઘી ડેપો પર દરોડો પાડી ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ જથ્થામાં વનસ્પતિ અને સોયાબીન ઓઈલની ભેળસેળ કરવામાં આવતી હોવાનો આરોપ હતો. ગૌશાળાના ઘીના સ્ટીકર લગાવીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં આશરે પોણા ત્રણ લાખ રૂપિયાના શંકાસ્પદ જથ્થા સાથે વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

