Bharuch ,તા.૨૮
મતદાર યાદીની એસઆઇઆર પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ભરૂચમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો કલેક્ટર કચેરી બહાર એકઠા થયા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા તેમજ કાનૂની કાર્યવાહીની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ૨૮ સપ્ટેમ્બરે દેશના વિવિધ ભાગોમાં કોંગ્રેસ દ્વારા એસઆઇઆર અને ચૂંટણી પંચની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીઓ સુધી વિરોધ માર્ચ યોજવાની વાત અગાઉ કરી હતી.
Bharuchમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સ્વર્ગીય અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા અને શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો સાથે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને એસઆઇઆર પ્રક્રિયા અંગે કોંગ્રેસની માગણીઓ રજૂ કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન પોલીસે બેરિકેડિંગ કરીને તેમને અટકાવ્યા હતા. પોલીસ દ્વારા રોકવામાં આવતા કેટલાક કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણ થઈ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે મુમતાઝ પટેલ સહિત કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને ભરૂચના ‘એ’ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ મુમતાઝ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસના વિરોધને લોકશાહી તથા બંધારણીય અધિકારો સાથે જોડ્યો હતો. મુમતાઝ પટેલે જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને પુનરાવર્તિત કરી હતી અને એસઆઇઆરની પ્રક્રિયા અંગે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ મળવો જોઈએ તેવી માંગ કરી હતી.
કોંગ્રેસે એસઆઇઆરને લઈને દેશભરમાં વિરોધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી અને તેમને પદ પરથી હટાવવાની માગ કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે એસઆઇઆર દરમિયાન મતદાર યાદીઓમાં થયેલા ફેરફારોને કારણે મોટી સંખ્યામાં મતદારોને અસર થઈ શકે છે. બીજી તરફ, ચૂંટણી પંચે એસઆઇઆર સંબંધિત નિર્ણયો અંગે પોતાનું વલણ રજૂ કર્યું છે અને જણાવ્યું છે કે સંબંધિત આદેશો ત્રણેય ચૂંટણી કમિશનરોની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યા હતા.

