Surat, તા.૨૯
Surat શહેરમાં નકલી ચલણી નોટો બજારમાં વટાવીને આર્થિક લાભ મેળવવાના પ્રયાસનો ગોડાદરા પોલીસે પર્દાફાશ કર્યો છે. દેવધ ચાર રસ્તા નાકા પોઈન્ટ પરથી પોલીસે પુણાગામ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવકને રૂ.૫૦૦ના દરની ૧૬૫ બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ.૮૨,૫૦૦ની નકલી ચલણી નોટો ઉપરાંત મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ સહિત રૂ.૧.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ સોશિયલ મીડિયા મારફતે નકલી ચલણી નોટો સપ્લાય કરતા લોકોનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ દરમિયાન આ નેટવર્કના તાર આસામ સુધી જોડાયેલા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ગોડાદરા પોલીસે મ્દ્ગજીની કલમ ૧૮૦, ૫૪, ૬૧(૨) અને ૩(૫) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ગોડાદરા પોલીસ સ્ટેશનના ટીમને માનવ ઇન્ટેલિજન્સના આધારે નકલી ચલણી નોટો અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દેવધ ચાર રસ્તા નાકા પોઈન્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક યુવકને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી રૂ.૫૦૦ના દરની એક પછી એક કુલ ૧૬૫ બનાવટી ચલણી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગણતરી કરતા નકલી નોટોની કુલ કિંમત રૂ.૮૨,૫૦૦ થઈ હતી. પોલીસે નોટો કબજે કરીને યુવકની વધુ પૂછપરછ શરૂ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ રમેશ ઉર્ફે જીગા જસરાજજી ઉર્ફે ઝાલમ લોહાર તરીકે થઈ છે. ૨૫ વર્ષીય રમેશ મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંભલગઢ તાલુકાના દૂધાલિયા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. હાલમાં તે સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સિતારામ સોસાયટી વિભાગ-૩માં રહેતો હતો અને સાડી ફોલ્ડિંગનું કામ કરતો હતો. સામાન્ય રીતે રોજગારી માટે સુરતમાં રહેતા આ યુવકના સંપર્કમાં નકલી ચલણી નોટોનું નેટવર્ક કેવી રીતે આવ્યું અને છેલ્લા કેટલા સમયથી તે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી નકલી ચલણી નોટો સપ્લાય કરતા લોકોનો સંપર્ક કર્યો હતો. નકલી નોટો મેળવવા માટે તેને એક ખાસ પ્રકારની ઓફર કરવામાં આવી હતી. આસામમાં એક અસલી નોટના બદલામાં ત્રણ નકલી નોટો આપવાની લાલચ બતાવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઓફરના આધારે આરોપી રમેશ તેના કઝીન મુકેશ ભગવતીલાલ લોહાર અને અન્ય સાગરીત તુલસી સાથે આસામ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં રૂ.૩૦ હજારની અસલી ચલણી નોટોના બદલામાં અંદાજે રૂ.૧ લાખની નકલી ચલણી નોટો મેળવવામાં આવી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
આરોપી આસામથી નકલી ચલણી નોટોનો જથ્થો લઈને સુરત પરત આવ્યો હતો. ત્યારબાદ નકલી નોટો બજારમાં વટાવીને આર્થિક લાભ મેળવવાનો તેનો ઇરાદો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી પાસેથી હાલમાં રૂ.૫૦૦ના દરની ૧૬૫ નકલી નોટો મળી આવી છે. આ તમામ નોટોની કુલ કિંમત રૂ.૮૨,૫૦૦ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બાકીની નકલી નોટો પૈકી કેટલીક નોટો આરોપીએ અગાઉ ખર્ચી નાખી હોવાની શક્યતા છે. આ નોટો કયા વિસ્તારમાં અને કયા વેપારીઓ પાસે વટાવવામાં આવી હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
નકલી ચલણી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે નોટોની ગુણવત્તા અંગે શંકા ઉભી થતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નકલી નોટો અસલી ચલણી નોટો જેવી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં તેની ગુણવત્તામાં તફાવત હોવાના કારણે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસ હવે આ નોટો કયા સ્થળે તૈયાર કરવામાં આવી હતી, તેની પ્રિન્ટિંગ ક્યાં થઈ હતી અને સુરતમાં પહોંચાડવા માટે કઈ ચેનલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહી છે.
આ કેસમાં રમેશની ધરપકડ બાદ પોલીસે તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી ચલણી નોટોના આ કેસમાં ત્રણ સાગરીતો હાલ વોન્ટેડ છે. તેમાં આરોપીના કઝીન મુકેશ ભગવતીલાલ લોહાર અને તુલસી સહિત અન્ય એક વ્યક્તિની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. આસામમાં નકલી નોટો પૂરી પાડનાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે પણ પોલીસ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કયા એકાઉન્ટ અથવા સંપર્ક મારફતે નકલી નોટોની ડીલ કરવામાં આવી હતી તેની વિગતો મેળવવા માટે આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગોડાદરા પોલીસે આરોપી પાસેથી નકલી ચલણી નોટો ઉપરાંત મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત રૂ.૧.૩૦ લાખથી વધુ છે. હવે મોબાઈલ ફોનમાંથી નકલી નોટોના સપ્લાયર સાથે થયેલી વાતચીત, સોશિયલ મીડિયા સંપર્કો, નાણાકીય વ્યવહારો અને અન્ય સાગરીતો અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.
આ કેસની તપાસ માત્ર સુરત પૂરતી સીમિત ન રહેતા હવે આસામ સુધી પહોંચવાની શક્યતા છે. પોલીસ નકલી ચલણી નોટો પૂરી પાડનાર મુખ્ય વ્યક્તિ અથવા ગેંગ સુધી પહોંચવાના પ્રયાસમાં છે. આસામમાં આરોપીએ કોની પાસેથી નોટો મેળવી, રૂ.૩૦ હજારના બદલામાં રૂ.૧ લાખની નકલી નોટો આપવાની વ્યવસ્થા કોણે કરી અને આ નેટવર્કમાં કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

