Rajkot જિલ્લામાં વિરપુર, જસદણ અને આટકોટ ખાતે એસ.ટી. બસ સ્ટેશન પર ગ્રામ હાટ શરૂ થશે
Rajkot તા. ૯ઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી આવતીકાલે તા. ૧૦ ઓક્ટોબરે ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યભરમાં અગત્યના સ્થળોએ નિર્મિત આ ગ્રામહાટ મહિલાઓની કલા કારીગરી અને વ્યવસાયિક ઉત્પાદનોને મંચ આપવા સાથે નારી સશક્તિકરણ અને સ્વાવલંબનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.
ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ તથા ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦ કલાકે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો શુભારંભ પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા સખી મંડળની બહેનોને અમૂલ પાર્લરના એલોટમેન્ટ લેટર્સ, કેશ ક્રેડિટના ચેક, ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલી બહેનોને ક્રેડિટ સહાય તથા ઈ-કોમર્સ પ્રોત્સાહનના ચેકનું વિતરણ કરવામાં આવશે.
આ અવસરે ગ્રામીણ મહિલાઓને ડિજિટલ બજાર સાથે જોડવાના મહત્વપૂર્ણ પ્રયાસરૂપે બે વર્ષ કે તેથી વધુ સમયથી લખપતિ દીદી તરીકે ઓળખાતી મહિલાઓ દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર દરેક ઓર્ડર દીઠ રૂ. ૨૦નું પ્રોત્સાહન આપવાની પહેલનો પણ પ્રારંભ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન મહિલા સ્વાવલંબનને વેગ આપવાના હેતુથી વિવિધ એમ.ઓ.યુ. પણ કરવામાં આવશે. જેમાં અમૂલ પાર્લર માટે બેંક સાથે, જી.એલ.પી.સી. અને જી.આર.ટી.સી. વચ્ચે ગ્રામ હાટ માટે, જી.એલ.પી.સી. અને રેલવે વચ્ચે ગ્રામ હાટ માટે તેમજ જી.એલ.પી.સી., પશુપાલન અને સહકાર વિભાગ વચ્ચેના કરારનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વિરપુર, જસદણ અને આટકોટ ખાતે એસ.ટી. બસ સ્ટેશન પર ગ્રામ હાટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રમ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યકક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહીડા, મેયર શ્રી ડો. નેહલભાઈ શુક્લ, સાંસદો શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વ શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી શામજીભાઈ ચૌહાણ અને શ્રી ગીતાબા જાડેજા, કમિશનર-વ-અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી તથા જી.એલ.પી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક ઉપસ્થિત રહેશે.

