રાજ્યપાલે પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા
Rajkot તા. ૯ઃ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં Rajkot તાલુકાના બેડી ગામમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજ રોજ ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલધારકો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ‘‘પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે‘‘ તેવી ખેડૂતોની ધારણા દૂર થવી જરૂરી છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ જાણી અને ગેરસમજણ દૂર કરીને ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વધવું જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જૈવિક ખેતીમાં ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ રહેલી છે, જ્યારે પ્રાકૃતિક ખેતી એ શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા અને અળસિયાથી થતી ખેતી છે, જેમાં ઉત્પાદન ઘટતું નથી પણ વધે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું, એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. તેમણે ખેડૂતોને સમજાવતા કહ્યું હતું કે, જેમ જંગલમાં કોઈ યુરિયા, ડી.એ.પી., જંતુનાશકો કે સિંચાઈ આપવા જતું નથી છતાં પણ વૃક્ષો ફળોથી લદાઈ જાય છે, તેવી જ રીતે પ્રકૃતિનો નિયમ છે કે, છોડ પોતે જમીનમાંથી માત્ર ૨.૫થી ૦૩ ટકા જેટલું જ ભોજન લે છે અને બાકીનું ભોજન સૂર્યપ્રકાશ તથા હવામાંથી મેળવે છે. યુરિયા અને ડી.એ.પી.નો વધુ પડતો વપરાશ જમીનને બંજર બનાવી રહ્યો છે.
રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક સર્વેક્ષણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ૧૦૫ માતાઓના દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે તમામમાં યુરિયા, પેસ્ટિસાઇડ્સ અને ડિટર્જન્ટના અંશો મળી આવ્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, રાસાયણિક જંતુનાશકોના કારણે જમીન, પાણી અને હવા ઝેરી બની ચૂક્યા છે, જેના લીધે કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કિડનીની બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. યુરિયાના ઉપયોગથી હવામાં બનતો નાઇટ્રસ ઓક્સાઇડ ગેસ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો વધુ ખતરનાક છે, જેનાથી પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતીના મુખ્ય ૦૫ આયામો જેવા કે બીજામૃતથી બીજસંસ્કાર, ઘનજીવામૃત અને જીવામૃતનો ઉપયોગ, આચ્છાદન, વાપસા અને બહુપાક પદ્ધતિ અંગે માર્ગદર્શન આપતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલ ૦૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગામડે-ગામડે કૃષિ સખીઓ અને માસ્ટર ટ્રેનર્સના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.
રાજ્યપાલશ્રીએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે અળસિયાં સંવર્ધન થકી કુદરતી જળ સંચય પદ્ધતિ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે અળસિયાંને ખેડૂતોના સાચા મિત્ર ગણાવતા કહ્યું હતું કે, અળસિયાં દ્વારા બહાર કાઢવામાં આવતી માટીમાં સામાન્ય જમીનની સરખામણીએ વધારે પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ હોય છે. અળસિયાં અને દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી મળતા સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં રહેલા તમામ પોષક તત્વોને પાકના ખોરાકમાં પરિવર્તિત કરવાનું કામ કરે છે. રાસાયણિક ખેતીથી આ તમામ ઉપયોગી મિત્ર કીટક અને જીવાણુઓ નાશ પામે છે, જેથી જમીનમાં પોષક તત્વો હોવા છતાં પાક તેનો ઉપયોગ કરી શકતો નથી.
રાજ્યપાલશ્રીએ સરાહના કરી હતી કે, રાજકોટ જિલ્લાના ૨૦ હજાર જેટલા ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તે આવકારદાયક બાબત છે. તેમણે સ્થાનિક કૃષિ સખીઓ, સરપંચો અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ગ્રામીણ સ્તરે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ ખેડૂતોને આ ઝુંબેશમાં જોડવા અને આવનારી પેઢીઓ માટે શુદ્ધ પાણી, હવા અને ફળદ્રુપ જમીન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચનમાં જિલ્લાના કુલ ૧૧ તાલુકામાંથી ૦૯ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પરિસંવાદમાં રાજકોટ તાલુકાના ગુંદા ગામના ખેડૂત શ્રી રાજેશભાઈ લીંબાસીયા તથા સરધાર ગામના ખેડૂત શ્રી અંકિતભાઈ ઢાકેચાએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થયેલા લાભો અને પોતાના સફળ અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે આભારદર્શન કર્યું હતું.
આ તકે સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જય બારોટ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલ અને શ્રી હસમુખભાઈ વાદી સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સી.આર.પી. (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) અને કૃષિ સખીઓ સાથે પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા અંગે વાતચીત કરી હતી. તેમણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા, જમીનની ફળદ્રુપતા જાળવવા, પર્યાવરણના જતન અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે જણાવ્યું હતું.

