રૂ.૪૦૦૦ ની ઉઘરાણી મામલે શિવ પાન પાસે છરીના ઘા ઝીંકી કરી હત્યા, લગ્નની વ્યવસ્થા માટે ૧૦ દિવસના જામીન માંગ્યા તા
Rajkot તા. ૧૨ઃ
શહેરના અમીન માર્ગ નજીક અક્ષર માર્ગ પર શિવ પાન પાસે મવડી વિસ્તારના મૌલિક કાકડીયાની મામુલી રકમની ઉઘરાણીના મામલે હત્યાના ગુનામા જેલ હવાલે રહેલા નામચીન હાર્દિકસિંહ જાડેજાએ લગ્ન માટે દસ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.કેસની હકીકત મુજબ મવડી બાપાસીતારામ ચોક પાસે રહેતા ચંદુભાઈ કાકડીયાએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પુત્ર મૌલિક ઉર્ફે ભોલાએ હાર્દિકસિંહ પાસેથી રૂ.૪૦૦૦ની ઉઘરાણી કરવા બાબતે હાર્દિકસિંહ (રહે.જામનગર રોડ પૂજા એપાર્ટમેન્ટ)એ અક્ષર માર્ગ પર શિવ પાન પાસે બોલાવી સહઆરોપી દિપ લાઠીયા સાથે મળી છરી વડે ખૂની હુમલો કર્યો હતો. તા.૧૫/૦૭/૨૦૨૨ ના સારવાર દરમિયાન મૌલિકનું મોત થતા ચાર્જશીટ થઈ હતી.
તેમાં જેલ હવાલે રહેલા હાર્દિકસિંહે લગ્ન માટે વ્યવસ્થા કરવા દસ દિવસની વચગાળાની જામીન અરજી કરી હતી. તેમાં સરકારી વકીલ પરાગભાઈ શાહે મૌખીક અને ફરિયાદીના વકીલે લેખિત દલીલો કરી હતી કે હાર્ડકોર ક્રિમિનલ અને એબ્સ્કોન્ડર છે, અગાઉ હાઈકોર્ટમાંથી બે વખત માનવતાના જામીન મેળવી બેઈલ જંપ કરી ભાગી ગયો હતો અને તે દરમિયાન સુરત રાંદેર અને રીબડામાં અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરી હાહાકાર મચાવ્યો હતો. લગ્નની કંકોત્રી, તારીખ, સ્થળની કોઈ વિગત નથી, જેલમાં વર્તણૂક પણ સારી નથી. તમામ રજૂઆતો, તપાસ અમલદારનો રિપોર્ટ, મોરબી જેલના રિમાર્કસ ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજે નોંધ્યું હતું કે, આરોપી સામે અનેક ગંભીર ગુના છે, જામીનનો દુરુપયોગ કર્યો છે, લગ્ન અંગે નેતલબા સોલંકીનું એફિડેવિટ માની શકાય તેમ નથી તેમ ઠરાવી જામીન અરજી નામંજૂર કરાઈ છે. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ શાહ અને ફરિયાદી વતી મદદમાં એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી રોકાયા હતા.

